Surat Physician demise: શંકાસ્પદ આત્મહત્યાના એક કેસમાં સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલના એક રેસિડેન્ટ ડોક્ટર રવિવારે હોસ્પિટલ પરિસરમાં આવેલા તેમના હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે હાઈ-લેવલ કમિટીની રચના કરી છે. આ કમિટીને 24 કલાકમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસાના રહેવાસી 30 વર્ષીય હર્ષ પંડ્યા ફરજ પર હાજર ન થતાં તેમના સાથી ડોક્ટરો તેમને જોવા હોસ્ટેલ રૂમમાં ગયા હતા. ત્યાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક હર્ષ પંડ્યા ન્યૂ સિવિલ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર હતા.
રેગિંગ કે હેરાનગતિ મામલે પણ તપાસ થશે
આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે કેસના તમામ પાસાંની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ડોક્ટરને કોઈ વ્યક્તિ અથવા સત્તાધિકારી દ્વારા રેગિંગ, માનસિક હેરાનગતિ અથવા શારીરિક હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થી અને રેસિડેન્ટ ડોક્ટરોના પણ નિવેદન લેવામાં આવશે.
ડીનના નેતૃત્વમાં તપાસ કમિટી
તપાસ સમિતિનું નેતૃત્વ મેડિકલ કોલેજના ડીન ડૉ. જયેશ એમ. બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે, જ્યારે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ વડગામા પણ સમિતિમાં સામેલ છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું કે તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે એડિશનલ ડિરેક્ટર ઑફ મેડિકલ એજ્યુકેશન ડૉ. જયેશ સાચદે સમગ્ર તપાસની સીધી દેખરેખ રાખી રહ્યા છે.
સમિતિ ડોક્ટરના સાથીઓ, ફેકલ્ટી સભ્યો અને સિનિયર ડોક્ટરોના નિવેદન નોંધશે. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, જો તપાસ દરમિયાન રેગિંગ, માનસિક હેરાનગતિ અથવા બેદરકારીનો કોઈ પણ કિસ્સો સામે આવશે, તો જવાબદાર લોકો સામે કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે.
મૃતક ડોક્ટરના પરિવારને કાર્યવાહીનું આશ્વાસન
આરોગ્યમંત્રીએ હર્ષ પંડ્યાના પિતા સાથે પણ વાત કરી હતી. તેમના પિતા પણ મોડાસામાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર છે. મંત્રીએ મૃતકના પરિવારને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનો કેસ!
પોલીસ તમામ પાસાંથી તપાસ કરી રહી છે. આ કેસની તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં ખાસ કોઈ મહત્વપૂર્ણ માહિતી સામે આવી નથી. જોકે પોલીસ હાલ આ કેસને આત્મહત્યાનો મામલો માની રહી છે.
તેમણે કહ્યું કે હત્યાની શક્યતા ઓછી જણાય છે, છતાં પોલીસ દરેક સંભાવનાને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. આ કેસમાં પેનલ પોસ્ટમોર્ટમ ઉપરાંત ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બીજા દિવસે મળવાની શક્યતા છે, જેમાં ડોક્ટરના મૃત્યુનો ચોક્કસ સમય સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 23 બાળકોના મોત, આ જીવલેણ બીમારી કેવી રીતે ફેલાય છે, લક્ષણ અને બચવાના ઉપાય જાણો
એન્ટી-રેગિંગ કમિટી પણ તપાસ કરશે
હાઈ-લેવલ કમિટીની સાથે મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટી પણ આ શંકાસ્પદ આત્મહત્યાની ઘટનાની તપાસ કરી રહી છે. રવિવારે હોસ્પિટલ પરિસરમાં આવેલા તેમના હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
