ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહેલી લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ પશ્ચિમ-કચ્છ ભુજમાં એક મોટી સફળતા મેળવી છે. ભુજના વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ વિરૂદ્ધ એસીબીએ લાંચનું સફળ છટકું ગોઠવીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે.
આ સમગ્ર ટ્રેપ એસીબીની સત્તાવાર હેલ્પલાઇન 1064 ના કારણે સફળ રહી છે જે સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ફેક્ટરી ચાલુ રાખવા માટે માંગ્યો હતો ‘હપ્તો’
મળતી વિગતો અનુસાર, આ કામના ફરિયાદીના વિરૂદ્ધમાં વાયોર પોલીસ સ્ટેશન ખાતે અગાઉ એક ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ PSI ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ચલાવી રહ્યા હતા. PSIએ ફરિયાદીને આ કેસમાં વધુ હેરાન-પરેશાન નહીં કરવા અને તેમની ફેક્ટરી શાંતિપૂર્વક ચાલુ રાખવા દેવાના અવેજ પેટે દર મહિને ‘હપ્તા’ સ્વરૂપે રૂ. 50,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારે
વાયોર પોલીસ સ્ટેશન, જી.પશ્ચિમ-કચ્છ ભુજ ખાતે ફરજ બજાવતા PSI ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ રૂ.૪૦,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો.હાલ આરોપી લાંચ સ્વીકારીને ફરાર થઈ ગયેલ છે.@sanghaviharsh@PIYUSH_270871@DeepakMeghani
— ACB Gujarat (@ACBGujarat) July 7, 2026
ગાયત્રી મંદિરના ગેટ પાસે ગોઠવાયું છટકું
ફરિયાદી આ ભ્રષ્ટાચારી અધિકારીને લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACB ગાંધીધામ કચેરી ખાતે આવી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે ભુજના ગાયત્રી મંદિરના ગેટ પાસે રોડ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. રકઝક બાદ આરોપી પીએસઆઈ રૂ. 40,000 સ્વીકારવા સહમત થયા હતા.
રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસનું ‘ઓપરેશન ક્લીન સ્વીપ’, 24 કલાકમાં 190 આરોપીઓની ધરપકડ
ટ્રેપ દરમિયાન આરોપી PSI ઇન્દ્રવિજયસિંહ ગોહિલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 40,000 ની લાંચની રકમ સ્વીકારી લીધી હતી. જોકે નાણાં હાથમાં આવતા જ આરોપીને કોઈ બાબતનો શક કે વહેમ ગયો હતો, જેથી તે લાંચની રકમ લઈને તાત્કાલિક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. એસીબીએ PSI વિરૂદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
