Ramayana Track Jai Jai Ram Launched : રણબિર કપૂરની રામાયણ ફિલ્મનું પ્રથમ ગીત જય જય રામ રિલીઝ થયું છે. ફિલ્મ નિર્માતાઓએ ગણેશ ચતુર્થીના દિવસે દર્શકોને આ મોટી ભેટ આપી છે. આ ગીતને એ આર રહેમાને સંગીત આપ્યું છે, ગીતના બોલ ડો.કુમાર વિશ્વાસે લખ્યા છે. આ ગીત અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ગાયું છે.
‘જય જય રામ’ ભગવાન શ્રી રામ પ્રત્યેની ભક્તિ અને સિનેમેટિક સંગીતનું સુંદર સંયોજન છે. ગીતના શબ્દો શ્રી રામની કરુણા, રક્ષણ અને ધર્મ પ્રત્યેની નિષ્ઠાને પ્રતિબિંબિત કરે છે. ‘જય જય રામ’ આ ગીતને ભક્તિ સાથે જોડે છે.
નમિત મલ્હોત્રાએ શું કહ્યું?
આ પ્રસંગે ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, શ્રી રામ ‘રામાયણ’ના કેન્દ્રમાં છે. તેમણે કહ્યું હતું કે, મુશ્કેલ સમયમાં લોકો શ્રીરામ પાસેથી શક્તિ મેળવે છે, અનિશ્ચિતતામાં તેમના માર્ગને જુએ છે અને ખુશીના પ્રસંગોએ તેમને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે.
તેમણે કહ્યું કે ‘જય જય રામ’ શ્રી રામ સાથેના લોકોના આ અંગત અને વર્ષો જૂના સંબંધમાંથી ઉદ્ભવ્યો છે. ભલે આ ફિલ્મ મોટા પાયે બની રહી હોય, પરંતુ તેનો ખરો પાયો લાગણીઓ, મૂલ્યો અને ભક્તિનો છે. ગણેશ ચતુર્થી પર આ સંગીત યાત્રાની શરૂઆત કરવી એ પણ ખાસ છે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશના આશીર્વાદ લેવામાં આવે છે.
એ આર રહેમાને જણાવ્યો ગીતના ભાવ
એ.આર. રહેમાને કહ્યું હતું કે, ‘જય જય રામ’ના કેન્દ્રમાં શ્રી રામના નામનો સરળ અને અસરકારક જાપ છે. તેમનો ઉદ્દેશ પ્રાર્થનાને તેની પવિત્રતા અને આત્મીયતા જાળવી રાખીને સિનેમેટિક ગીત બનાવવાનો હતો.
તેમણે કહ્યું કે અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે ડૉ. કુમાર વિશ્વાસના શબ્દોને પોતાની ભાવનાત્મક અભિવ્યક્તિ આપી છે, પરંતુ હંમેશા ગીતની ભક્તિને કેન્દ્રમાં રાખી છે. એને આશા છે કે આ ગીતમાં પ્રેક્ષકોને શાંતિની સાથે સાથે અંગત જોડાણની અનુભૂતિ થશે.
કુમાર વિશ્વાસે કહી આ વાત
ડૉ. કુમાર વિશ્વાસે કહ્યું કે, ‘જય જય રામ’ ત્રણ સરળ શબ્દો છે, પરંતુ તેમની અંદર એક સંપૂર્ણ પ્રાર્થના છે. તેમણે સમજાવ્યું કે ગીત લખતી વખતે, તેમનો ઉદ્દેશ્ય શ્રી રામનું વર્ણન કરવાનો નહોતો, પરંતુ તેમની સાથેના દરેક ભક્તના સંબંધોને શબ્દો આપવાનો હતો.
તેમણે કહ્યું કે ભાષા સરળ અને સીધી રાખવામાં આવી છે કારણ કે સાચી ભક્તિ માટે વધુ શણગારની જરૂર નથી. તેમને આશા છે કે લોકો માત્ર આ ગીત જ નહીં સાંભળે, પરંતુ તેમાં તેમની પ્રાર્થનાનો અનુભવ પણ કરશે.
આ પણ વાંચો | તમન્ના ભાટિયાનું ગીત છઠી મૈયા સુપરહિટ, જાણો ક્યારે રિલિઝ થશે ધ વન મૂવી
રામાયણ મૂવી ટ્રેલર એક અબજથી વધુ વખત જોવામાં આવ્યું
આ ગીત ‘રામાયણ’ના ટ્રેલરને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા પછી રિલીઝ કરવામાં આવ્યું છે. રામાયણ ફિલ્મના ટ્રેલરે માત્ર છ દિવસમાં વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર એક અબજથી વધુ વ્યૂઝ મેળવ્યા છે.
