વડોદરાના રાજપરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ હંમેશા પોતાના એલિગન્ટ અને પરંપરાગત પહરવેશ માટે ચર્ચામાં રહે છે. આ વર્ષે નવરાત્રિ ઉત્સવ દરમિયાન રાધિકારાજે ગાયકવાડે ઘાઘરા-ચોળી અને કાચની લીલી બંગડીઓ સાથે જે પરંપરાગત લૂક કેરી કર્યો છે તેણે ફેશન લવર્સનું ધ્યાન ખેંચ્યું છે.
નવરાત્રિની શરૂઆત સાથે જ ઠેર-ઠેર ગરબા અને દાંડિયાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આ માહોલમાં વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડની તસવીરો સૌનું ધ્યાન ખેંચી રહી છે. ઘાઘરા-ચોલીમાં સજ્જ અને રંગબેરંગી બંગડીઓ તથા બે રૂપિયાના સિક્કા જેવી દેખાતી અનોખી વીંટી પહેરીને તેમણે ગરબા રમતી વખતે પરંપરાગત લુક અપનાવ્યો હતો. તેમની આ પરંપરાગત શૈલીએ લોકોનાં દિલ જીતી લીધાં અને તેમણે યુવતીઓ માટે સ્ટાઇલિંગ ટિપ્સ પણ આપી.
મહારાણીનો પોશાક હંમેશા ભારતીય કારીગરીની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે પરંતુ તેમનો ઘાઘરા-ચોલીનો સેટ વિશેષ આકર્ષક છે. આ પોશાકની દરેક વિગત અદભૂત છે જે ગરબા નાઈટ્સમાં જતી યુવતીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે. ચાલો તેમના આ પોશાકની વિગતો પર એક નજર કરીએ.
રંગોનું સુંદર કોમ્બિનેશન
મહારાણી રાધિકારાજેનો લુક પરંપરાગત ગુજરાતી પોશાક અને જીવંત રંગોના સંગમને સુંદર રીતે રજૂ કરે છે. તેમણે ઘેરા બદામી અને મરૂન રંગના શેડ્સવાળો ઘેરાવદાર ઘાઘરો પહેર્યો છે, જેની સાથે નારંગી, લાલ, વાદળી અને પીળા રંગોવાળી ચોલી-સ્ટાઇલની બ્લાઉઝની જોડી બનાવી છે. રંગોનું આ સંયોજન પરંપરાગત અંદાજ અને તહેવારની ચમક વચ્ચે ઉત્તમ સંતુલન જાળવે છે જે તેમના લુકની સુંદરતામાં વધારો કરે છે.
ઘાઘરા સાથે હેવી ચોલીનું સંયોજન
મહારાણીના ઘાઘરામાં નારંગી રંગની ‘બૂટી’ (નાના ફૂલની ડિઝાઈન) સાથેની ‘કલીદાર’ (પેનલવાળી) ડિઝાઈન છે. તેના નીચેના ભાગને સોનેરી પટ્ટી અને રંગબેરંગી પટ્ટાઓની ડિઝાઈનથી સજાવવામાં આવ્યો છે, જેનાથી તે ભારે ભરતકામ વિના પણ અદભૂત લાગે છે. તેની વિરુદ્ધ ચોલીને રંગબેરંગી ભરતકામ, ભૌમિતિક પેટર્ન અને પરંપરાગત ડિઝાઈનોથી સમૃદ્ધ રીતે સજાવવામાં આવી છે. તેની બાંય પર પણ ઝીણવટભર્યું બહુ-રંગી કામ કરવામાં આવ્યું છે, જે પોશાકને એક અનોખો લુક આપે છે. ઘાઘરા અને ચોલી વચ્ચેનો આ વિરોધાભાસ સમગ્ર લુકને સંતુલિત કરે છે જેથી પોશાક વધુ પડતો ભપકાદાર કે ગૂંચવણભર્યો ન લાગે.
આ પણ વાંચો: ગરબા નાઈટમાં લહેંગાના બદલે પહેરો ગુજરાતી સ્ટાઈલ સાડી, આ 7 ટ્રેન્ડી ડ્રેપિંગ આઈડિયાઝથી મેળવો ગોર્જિયસ લુક
દુપટ્ટો વધારે છે આકર્ષણ
પોતાના ગરબા લુકને પૂર્ણ કરવા માટે રાધિકારાજે ગાયકવાડે રંગબેરંગી દુપટ્ટો પહેર્યો છે, જેમાં ચોલીના રંગો સાથે મેળ ખાતા પટ્ટાઓની ડિઝાઈન છે. તેની કિનારી પર પરંપરાગત ભાત અને છેડા પર રંગબેરંગી લટકણ જેવી વિગતો જોવા મળે છે. દુપટ્ટાને એવી રીતે ઓઢવામાં આવ્યો છે કે જેથી ચોલી પરનું ઝીણવટભર્યું કામ ઢંકાઈ જવાને બદલે વધુ સારી રીતે ઉપસી આવે. વળી ઘેરા રંગના ઘાઘરા સાથેનો રંગોનો વિરોધાભાસ સમગ્ર પરિધાનમાં ગરબા અને નવરાત્રિનો જીવંત ઉત્સાહ ભરી દે છે.
