Ahmedabad Vacationer accident in jammu Kashmir: ઉનાળું વેકેશન શરુ થયું છે અને મોટાભાગના પરિવારો ગુજરાત બહાર ફરવા નીકળ્યા છે. ઉનાળાની ગરમીમાં લોકોનું ફેવરીટ ડેસ્ટીનેશન કાશ્મિર રહે છે. જોકે કાશ્મિરથી એક ખરાબ સમાચાર આવ્યા છે. જમ્મુ કાશ્મિરના અનંતનાગમાં પહેલગામ નજીક અમદાવાદના ટુરિસ્ટની એક ટવેરા કાર ખાઈમાં ખાબકી હતી. જેના પગલે બે પ્રવાસીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના લોકો પ્રવાસ માટે કાશ્મીર ગયા હતા
ઘટના અંગે મળતી માહિતી પ્રમામે અમદાવાદના નવા વાડજ, ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારના દંપતીઓ સહિતના પ્રવાસીઓની એક ટીમ કાશ્મીર પ્રવાસે ગઈ હતી. આગામી 20મી મેના રોજ તેમનો પ્રવાસ પૂર્ણ થવાનો હતો, તે પહેલાં જ શનિવારે સાંજના સમયે કાળે ત્રાટક્યું હતું.
પરિવારના સભ્યો ચાર ટવેરા કાર બંધાવીને પહેલગામ ખાતે સાઈટસીન માટે નીકળ્યા હતા. આ દરમિયાન પહેલગામ-અરૂ રૂટ પરથી પસાર થતી વખતે ચાર પૈકીની એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પંદરેક ફૂટ ઊંડી ખાઈમાં જઈ પડી હતી.
બે પ્રવાસીઓનું મોત થતાં બે કપલ ખંડિત થયા
આ ગંભીર અકસ્માતમાં ટવેરા કારમાં સવાર બે અલગ-અલગ પરિવારના સભ્યો ભોગ બન્યા છે. ઘાટલોડિયાના કે.કે. નગર રોડ પર આવેલા વાસુકાનન ટાવરમાં રહેતા ભાવિનભાઈ ભાવસારનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની અવનીબહેનને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સદનસીબે તેમની સાથે રહેલા 12 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે.
ભીમજીપુરાના વિરનગરમાં રહેતા નયનાબહેન ભાવસારનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. જ્યારે તેમના પતિ અશોકભાઈ ભાવસાર ગંભીર રીતે ઘાયલ થતાં શ્રીનગરની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અકસ્માતમાં ટવેરા કારના સ્થાનિક ચાલકને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
આ પણ વાંચોઃ- ભોજશાળા સ્વસ્તિક અને ફૂલોથી શણગારાયું, હાઈકોર્ટના ચુકાદાના બાદ વિવાદિત સ્થળ હિન્દુ રંગમાં રંગાયું
મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ લાવવાની કાર્યવાહી શરુ
અકસ્માતની જાણ થતાં જ અમદાવાદમાં રહેતા સ્નેહીજનો અને સગા-સંબંધીઓમાં ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કાશ્મીરના સ્થાનિક વહીવટી તંત્રની મદદથી મૃતકોના પાર્થિવ દેહને અને ઇજાગ્રસ્તોને પરત અમદાવાદ લાવવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
