World Sleep Day 2026: વર્લ્ડ સ્લીપ ડે દુનિયાભરમાં દર વર્ષે 13 માર્ચના રોજ ઉજવાય છે. વિશ્વ ઊંધ દિવસની ઉજવણીનો હેતુ શરીરના સ્વાસ્થ્ય માટે ઊંધના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આજની ફાસ્ટ લાઇફસ્ટાઇલ, મોડી રાત સુધી જાગવાની અને ટીવી મોબાઇલ જોવાની આદતના કારણે ઘણા લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. ઘણા લોકોને મોડે સુધી જાગવાની અને ખાવવાની આદત હોય છે, જેનાથી ઊંઘમાં ખલેલ પહોંચે છે. આ લેખમાં સુતા પહેલા કઇ 5 ચીજોનું સેવન કેમ ન કરવું તેની જાણકારી છે.
ચા અને કોફી
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સૂવાના સમયના લગભગ 6 કલાક પહેલા ચા અથવા કોફીનું સેવન તમારી ઊંઘને અસર કરી શકે છે. ચા અને કોફીમાં કેફીન હોય છે, જેના કારણે તમારે ઊંઘ ન આવવાની સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં, સારી ઊંઘ માટે ઊંઘવાના 6 કલાક પહેલા ચા અથવા કોફીનું સેવન ન કરો. તેના બદલે તમે હર્બલ ટીનું સેવન કરી શકો છો.
મસાલેદાર ભોજન
સૂતા પહેલા વધારે તેલ અને મસાલા વાળું ભોજન ખાવાથી પણ ઊંઘમાં ખલેલ પડી શકે છે. હકીકતમાં જો તમે વધુ મસાલેદાર ભોજન ખાઓ છો, તો એસિડિટી, ગેસ, બળતર જેવી પેટની સમસ્યા થઇ શકે છે, જે તમારી ઊંઘને હરામ કરી નાંખશે. ઉપરાંત વધારે મસાલેદાર ભોજન ખાવાથી શરીરનું તાપમાન કુદરતી રીતે ઘટવા લાગે છે, જેના કારણે ઊંઘમાં પણ તકલીફ થાય છે. આ જ કારણ છે કે નિષ્ણાતો સૂતા પહેલા હળવો ખોરાક ખાવાની ભલામણ કરે છે.
મીઠાઇ
સૂતા પહેલા મીઠાઈ ખાવાનું ટાળો, તેનાથી તમને અનિંદ્રાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. મીઠાઈ ખાવાથી ઉચ્ચ સ્તરની ઉર્જા ઉત્પન્ન થાય છે, જે ઊંઘ આવવામાં નડતરરૂપ બની શકે છે, તેમજ બ્લડ શુગર લેવલ વધારીને તમારા માટે સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં, સારી ઊંઘ માટે રાત્રે ઊંધવાના લગભગ 3 કલાક પહેલા કોઇ પણ મીઠી ચીજ ખાવાનું ટાળો.
ડાર્ક ચોકલેટ
સૂતા પહેલા ચોકલેટ, ખાસ કરીને ડાર્ક ચોકલેટ ખાવાનું ટાળો. આ હાઇ એનર્જી ફૂડ છે, જેનાથી મગજ જાગૃત થાય છે. જ્યારે ઊંઘવા માટે મગજ શાંત હોવું જરૂરી છે. આથી રાતે નિરાંતની ઊંઘ માટે ચોકલેટ ખાવાની ભૂલ કરવી નહીં.
વાઇન
ઘણા લોકો વિચારે છે કે દારુ પીવાથી તરત જ ઊંઘ આવે છે, પરંતુ ગાઢ ઊંધ આવતી નથી. આલ્કોહોલ પીધા બાદ તમે ખૂબ જ ઝડપથી ઊંઘી જાઓ છો, પ્રથમ તબક્કામાં ગાઢ ઊંઘ આવે છે, પરંતુ બીજા તબક્કામાં, ઊંઘ વારંવાર તૂટી જાય છે. આવી સ્થિતિમાં, તમે બીજા દિવસે સવારે વધુ થાક અનુભવવાનું શરૂ કરો છો.
આ પણ વાંચો | ઉનાળામાં શરીરની ગરમી બહાર ફેંકશે આ ઔષધી, પાચન થી લઇ કબજિયાતમાં અસરકારક
Disclaimer : આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.
