Ram Mandir CEO: અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO કોણ? 5,000 અરજીઓમાંથી 18 શોર્ટલિસ્ટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Ram Mandir CEO: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO માટે પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. દેશભરમાંથી આવેલી 5,000થી વધુ અરજીઓમાંથી 18 ઉમેદવારોને અંતિમ ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉમેદવારોના 11 અને 12 ઓગસ્ટે વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

ટ્રસ્ટે ગયા મહિને CEO પદ માટે અરજીઓ મંગાવી હતી. અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદ બાદ ટ્રસ્ટની કામગીરીમાં વહીવટી વ્યવસ્થા અને નાણાકીય પારદર્શિતા વધુ મજબૂત કરવાની જરૂરિયાત વચ્ચે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોમાં મોટાભાગે નિવૃત્ત સરકારી અધિકારીઓ, વરિષ્ઠ કોર્પોરેટ અધિકારીઓ અને નિવૃત્ત સંરક્ષણ અધિકારીઓનો સમાવેશ થાય છે.

અંતિમ પસંદગી માત્ર ઉમેદવારના અનુભવના આધારે નહીં પરંતુ અન્ય મહત્વના ફેક્ટર પણ ધ્યાને લેવાશે. જેમ કે, અયોધ્યામાં રહીને કામ કરવાની તૈયારી, મોટા સંગઠનને સંભાળવાનો અનુભવ, કર્મચારીઓનું સંચાલન અને દેશ-વિદેશમાંથી આવતા મહેમાનો તથા સાધુ-સંતો સાથે વ્યવહાર કરવાની ક્ષમતા પણ મહત્વની રહેશે.

પ્રથમ CEO માટે શું લાયકાત નક્કી કરવામાં આવી?

ટ્રસ્ટે CEOના પદ માટે કેટલીક ખાસ લાયકાત નક્કી કરી છે, જેમ કે:

  • નિવૃત્ત હોવા જોઈએ
  • હિન્દુ હોવા જોઈએ
  • ઉંમર 50થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • મોટા સંગઠનના સંચાલનનો ઓછામાં ઓછો 20 વર્ષનો અનુભવ
  • ભગવાન રામ પ્રત્યે સમર્પિત હોવા જોઈએ

પસંદગી સમિતિના એક સભ્યના જણાવ્યા પ્રમાણે, 20 દિવસ સુધી ચાલેલી પ્રક્રિયામાં 5,000થી વધુ અરજીઓની નક્કી કરાયેલા માપદંડો અનુસાર છટણી કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારો સાથે ઓનલાઈન વાતચીત કરીને તેમની યોગ્યતા અને વિચારો અંગે પણ માહિતી મેળવવામાં આવી હતી.

આ પ્રક્રિયા બાદ 18 ઉમેદવારોને અંતિમ ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી એકને રામ મંદિર ટ્રસ્ટના સીઇઓ પદે નિયુક્ત કરાશે. 

CEO માટે માત્ર વહીવટી અનુભવ પૂરતો નહીં હોય

અયોધ્યા રામ મંદિરનું સંચાલન સામાન્ય સંસ્થા કરતાં અલગ છે. અહીં વહીવટી અને નાણાકીય કામગીરી સાથે દરરોજ મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની વ્યવસ્થા, ધાર્મિક કાર્યક્રમો, સાધુ-સંતો અને વિશિષ્ટ મહેમાનોની મુલાકાત તથા સુરક્ષા જેવા અનેક પાસાં સંભાળવાના રહેશે.

પસંદગી સમિતિના સભ્યના જણાવ્યા પ્રમાણે, નવા CEOએ અયોધ્યા ખાતે રહીને કામ કરવું પડશે. તેથી મોટા સંગઠનને સંભાળવાનો અનુભવ હોવા ઉપરાંત માનવ સંસાધન વ્યવસ્થાપન, જાહેર વ્યવહાર અને દૈનિક કામગીરી સંભાળવાની ક્ષમતા પણ મહત્વપૂર્ણ રહેશે.

રામ મંદિર ટ્રસ્ટના CEOની મુખ્ય જવાબદારીઓ શું હશે?

નવા CEOની જવાબદારી માત્ર ઓફિસની કામગીરી સુધી મર્યાદિત નહીં રહે. તેમની સામે અનેક મહત્વપૂર્ણ કામ હશે.

ટ્રસ્ટનું સંચાલન: ટ્રસ્ટની કાયદાકીય, વહીવટી અને નાણાકીય કામગીરીનું સંચાલન કરવું.

વ્યવસ્થિત સિસ્ટમ બનાવવી: ટ્રસ્ટની વધતી કામગીરીને અનુરૂપ નિયમો અને કાર્યપ્રણાલી તૈયાર કરવી.

સંગઠન ઊભું કરવું: ટ્રસ્ટના હેતુઓ અનુસાર કર્મચારીઓ અને અધિકારીઓ માટે યોગ્ય માળખું તૈયાર કરવું અને તેની દેખરેખ રાખવી.

કાયદાકીય પાલન: ટ્રસ્ટ ડીડ ઉપરાંત લાગુ પડતા કાયદા અને નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવી.

નાણાકીય પારદર્શિતા: નાણાકીય વ્યવહારો, હિસાબો અને સંબંધિત માહિતીમાં પારદર્શિતા તથા કાર્યક્ષમતા જાળવવી.

સુરક્ષા વ્યવસ્થા: મંદિર અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવી અને જરૂરિયાત મુજબ સ્થાનિક, રાજ્ય તથા કેન્દ્ર સરકાર સાથે સંકલન કરવું.

પૂજા અને ધાર્મિક કાર્યક્રમો: દૈનિક પૂજા, ધાર્મિક વિધિઓ અને તહેવારોનું યોગ્ય રીતે આયોજન થાય તેની દેખરેખ રાખવી.

શ્રદ્ધાળુઓની સુવિધા: અયોધ્યા આવતા ભક્તોની સુરક્ષા, સુવિધા અને સમગ્ર મુલાકાતનો અનુભવ સારો રહે તેની વ્યવસ્થા કરવી.

વિશિષ્ટ મહેમાનોની વ્યવસ્થા: મહત્ત્વના મહેમાનો અને અગ્રણી સાધુ-સંતોની મુલાકાત દરમિયાન જરૂરી વ્યવસ્થા કરવી.

હવે 18માંથી ત્રણ નામ આગળ જશે. 11 અને 12 ઓગસ્ટે યોજાનારા વ્યક્તિગત ઇન્ટરવ્યૂ બાદ પસંદગી સમિતિ તમામ ઉમેદવારોના પ્રદર્શન અને યોગ્યતા અંગે ચર્ચા કરશે.

ત્યારબાદ સમિતિ ત્રણ નામની ભલામણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને કરશે. ટ્રસ્ટ સપ્ટેમ્બરમાં યોજાનારી પોતાની આગામી બેઠકમાં આ ભલામણો પર વિચાર કરશે અને ત્યારબાદ પ્રથમ CEO અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બન્યા, જાણો જગદીશ આફલે કોણ છે?

કોણ કરી રહ્યું છે પસંદગીનું કામ?

પ્રથમ CEOની પસંદગી માટે ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.

  1. નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પ્રમોદ કોહલી
  2. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી
  3. નિવૃત્ત પરમાણુ વૈજ્ઞાનિક અને શિરડી સ્થિત શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ સુરેશ હવારે

5,000થી વધુ અરજીઓમાંથી હવે માત્ર 18 ઉમેદવારો અંતિમ તબક્કામાં છે.

આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિર દાન વિવાદ: ભારતના મંદિરોનું સંચાલન કોણ કરે છે? તેમાં સરકારની ભૂમિકા શું છે?

આગામી ઇન્ટરવ્યૂ બાદ ત્રણ નામ ટ્રસ્ટ સમક્ષ જશે અને સપ્ટેમ્બરમાં અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ CEO અંગે અંતિમ નિર્ણય થવાની સંભાવના છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *