Final Up to date:
દેશમાં LPG ગેસની અછત સર્જાઈ છે, આ વચ્ચે ભારતની LPG શિપમેન્ટની સુરક્ષિત અવરજવર માટે ઉચ્ચ સ્તરે વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે પણ અનેક વખત ફોન પર ચર્ચા થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં 8 LPG ટેન્કર હોર્મુઝની બોર્ડર પર તહેનાત છે અને ટૂંક સમયમાં ત્યાંથી રવાના થશે.
LPG મહામારી: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ભારત પણ આમાંથી બાકાત નથી. અનેક શહેરોમાં LPG સિલિન્ડરની અછતના કારણે લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. LPG સિલિન્ડરની સોલ્ટેજના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં હાલ એવો ડર છે કે જો ગેસની સપ્લાય બંધ થઈ જશે તો રસોઈ બનાવવામાં ભારે મુશ્કેલી પડશે. જોકે આ વચ્ચે, ભારત સરકારે રાહત ભર્યા સમાચાર આપ્યા છે. સરકારનું કહેવું છે તે દેશમાં ગેસની કોઈ કમી નથી. હોર્મુઝ સ્ટ્રેટ રૂટ બંધ થવાના કારણે કોઈ પણ પ્રકારનું ફ્યુલ સંકટ નથી. ટૂંક સમયમાં 8 LPG ટેન્કર હોર્મુઝ પાર કરીને ભારત પહોંચવાના છે. ભારત સરકારે ઈરાન સાથે આ બાબતે વાતચીતનો દોર ઝડપી કર્યો છે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત સરકાર એક્ટિવ મોડમાં છે. LPG અને તેલના સંકટને ટાળવા માટે સરકારનું ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ આ સમગ્ર યોજના પર કામ કરી રહ્યું છે, જેથી દેશમાં કોઈપણ પ્રકારના ફ્યુલની અછત ન સર્જાય. અધિકારીઓ સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને LPG કુકિંગ ગેસની સપ્લાય માટે સંબંધિત વિભાગો સાથે સંકલન કરી રહ્યા છે.
ભારત પોતાની LPG જરૂરિયાતમાંથી લગભગ 60 થી 67 ટકા આયાત કરે છે. આ આયાતનો મોટો હિસ્સો સાઉદી અરેબિયા અને કતાર જેવા ખાડી દેશો સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તેથી આવે છે. આ માર્ગમાં જો કોઈ અવરોધ આવે તો LPGની દેશ પર સીધી અસર થાય છે.
LPG શિપમેન્ટ માટે સુરક્ષિત માર્ગ સુનિશ્ચિત કરવા ભારતે ઉચ્ચ સ્તરે વાતચીત શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે અનેક વખત ફોન પર ચર્ચા થઈ છે. એટલું જ નહીં, ભારતે પોતાના જહાજોને સુરક્ષિત પાછા લાવવા માટે નેવી એસ્કોર્ટ પર પણ વિચાર કર્યો છે. હવે જોવાનું એ છે કે, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે કયા રસ્તેથી આ 8 LPG ટેન્કર ભારતમાં એન્ટ્રી કરશે.
Mar 13, 2026 11:59 AM IST

