Final Up to date:
Harsh Gupta JEE Success Story: પાણીપુરી વેચતા પિતાના દીકરા હર્ષ ગુપ્તાએ ધોરણ 11માં નાપાસ થયા પછી પણ હાર ન માની અને આજે તે IIT રુડકીમાં અભ્યાસ કરી રહ્યો છે. જાણો કેવી રીતે અનેક પડકારો છતાં હર્ષે દેશની સૌથી અઘરી પરીક્ષામાંની એક JEEની પરીક્ષા ક્રેક કરી.
Harsh Gupta JEE Success Story: સામાન્ય રીતે લોકોને કોઈ સફળ વ્યક્તિની સફળતાની ચમક તો દેખાય છે, પરંતુ એ ચમક પાછળ રહેલું અંધકાર અને પરિશ્રમ ખૂબ ઓછા લોકો જોઈ શકે છે. મહારાષ્ટ્રના હર્ષ ગુપ્તાની કહાની પણ કંઈક એવી જ છે. હર્ષના પિતા પાણીપુરી વેચતા હતા, પરંતુ હર્ષ ગુપ્તાએ IIT જવાનું સપનું જોયું હતું અને તેણે JEE પાસ કરીને પોતાનું સપનું પૂરું કર્યું.
હર્ષ ગુપ્તાના ઘરમાં ગરીબીની એટલી દારુણ પરિસ્થિતિ હતી કે, અભ્યાસ માટે જરૂરી પુસ્તકો અને કોચિંગ તો દૂર તેની પાસે ભણવા માટે એક શાંત રૂમ પણ નહોતો. હર્ષની કહાનીમાં ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તે ધોરણ 11માં નાપાસ થયો. તે સમયે તેને સમાજ અને સગા-સંબંધીઓના ખૂબ ટોણા સાંભળવા પડ્યા, પરંતુ આ એ જ ક્ષણ હતી, જ્યારે હર્ષે પોતાની હારને પોતાની તાકાત બનાવી અને નક્કી કર્યું કે, દેશની સૌથી અઘરી પરીક્ષા જેઈઈ પાસ કરીને સફળતા હાંસલ કરશે.

હર્ષ ગુપ્તા મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેના પિતા સંતોષ ગુપ્તા મુંબઈના કલ્યાણમાં પાણીપુરીની લારી લગાવે છે. હર્ષે બાળપણથી જ અનેક મુશ્કેલીઓ વેઠી હતી. એક નાનકડા રૂમમાં હર્ષ તેના માતા, પિતા અને બે નાના ભાઈ શુભમ અને શિવમ સાથે રહેતો હતો. આવી સ્થિતિમાં અભ્યાસ પર ફોકસ કરવું તેના માટે લગભગ અશક્ય હતું. પિતાની દિવસભરની કમાણીથી ઘરની પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષાતી નહોતી. આવી સ્થિતિમાં IIT જેવી સંસ્થામાં અભ્યાસ કરવાની તેની ઈચ્છા તેના માટે એક ક્યારેય પૂરું ન થાય તેવા સપના જેવી હતી.

હર્ષ ગુપ્તાની મહેનત અને પરિજનોનું સમર્થન છેવટે રંગ લાવ્યું. હર્ષ ગુપ્તાએ જેઈઈ મેઈન્સ (JEE-Mains)માં 98.59 પર્સેન્ટાઈલ સ્કોર કર્યું. આ ઉપરાંત તેણે જેઈઈ એડવાન્સ્ડ માટે પણ ક્વોલિફાય કર્યું. જોકે, તેને તેની પસંદની કોલેજમાં એડમિશન ન મળ્યું. તેણે દૃઢ સંકલ્પ કર્યો હતો કે તે IITથી જ બીટેક કરશે એટલે તેણે ફરી પ્રયાસ કર્યો. આ વખતે તેને ગત પ્રયાસ કરતા પણ સારી રેન્ક મળી. જે પછી તેને IIT રુડકીમાં એડમિશન મળ્યું.

