Final Up to date:
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રવિવારે 5 મેચ પૈકીની ત્રીજી ટી20 મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ 8 વિકેટે એકતરફી જીત મેળવી છે.
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રવિવારે 5 મેચ પૈકીની ત્રીજી ટી20 મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ 8 વિકેટે એકતરફી જીત મેળવી છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 153 રને રોકી દીધું હતુ. ભારતે 10 ઓવરમાં જ ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. આ પહેલા પણ બે ટી20માં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હતી. આમ પાંચ ટી20 મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયાએ 3 જીત મેળવીને સીરિઝ પણ કબ્જે કરી છે.
154 રનના જવાબમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પહેલા જ બોલ પર સંજુ સેમસન બોલ્ડ થઈ ગયો હતો. મેટ હેનરીએ તેની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ઈશાન કિશન અને અભિષેક શર્મા બંને શાનદાર લયમાં જોવા મળ્યાં. કિશન 13 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો, જેમાં તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા, કિશનની વિકેટ ચોથી ઓવરમાં પડી, પરંતુ ત્યાં સુધીમાં ટીમ ઇન્ડિયાનો સ્કોર 50 પાર પહોંચી ગયો હતો.
કિશનના આઉટ થયા પછી, અભિષેકની તોફાની ઇનિંગ જોવા મળી. તેણે 14 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. 7મી ઓવરમાં જ ભારતનો સ્કોર 100ને પાર પહોંચી ગયો હતો. સૂર્યાએ અણનમ 26 બોલમાં 57 રન ફટકાર્યા, જ્યારે અભિષેકે 20 બોલમાં 68 રનની ઇનિંગ રમી. અભિષેકે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા, જ્યારે સૂર્યાએ 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા.
પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી. પહેલી જ ઓવરમાં હર્ષિત રાણાએ કોન્વેને 1 રને આઉટ કર્યો. હાર્દિકે કોન્વેનો શાનદાર કેચ ઝડપી પાડ્યો. ત્યાર બાદ હાર્દિકે રચિન રવિન્દ્રને પેવેલિયન મોકલ્યો, તે માત્ર 4 રન બનાવી શક્યો. ત્યાર બાદ જસપ્રીત બુમહારે પહેલી જ ઓવરમાં ટિમ સેફર્ટને બોલ્ડ કરી દીધો. પાવરપ્લેમાં કીવી ટીમના 3 બેટ્સમેન આઉટ થઈ ગયા. પરંતુ ચેપમેન અને ગ્લેન ફિલિપ્સ વચ્ચે સારી પાર્ટનરશીપ જોવા મળી અને 10 ઓવર બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર 75-3 પર પહોંચાડ્યો.
12મી ઓવરમાં રવિ બિશ્નોઈએ ચેપમેનની વિકેટ ઝડપી. ચેપમેન 32 રન બનાવીને આઉટ થયો. ત્યાર બાદ ડેરિલ મિચેલ પણ સસ્તામાં આઉટ થઈ ગયો. સેન્ટનરે 27 રન બનાવ્યાં પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ 153 રન જ બનાવી શકી. ભારત માટે બુમરાહે 3 વિકેટ ઝડપી, હાર્દિક અને બિશ્નોઈને 2-2 સફળતા મળી જ્યારે હર્ષિતે એક વિકેટ લીધી.

