Client Court docket Verdict: ચંદીગઢના એક ગ્રાહક ફોરમે ગ્રાહકને ખામીયુક્ત શૂઝ વેચવા બદલ સ્પોર્ટ્સ વેર કંપનીને સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ માટે જવાબદાર ઠેરવી છે. કમિશનના પ્રમુખ અમરિન્દર સિંહ સિદ્ધુ અને સભ્ય બી. એમ. શર્માએ સ્પોર્ટ્સવેર બ્રાન્ડ ‘એસિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ (Asics India Pvt Ltd) ને ખરીદ કિંમત 6499 રુપિયા રિફંડ કરવા તેમજ વળતર અને કાનૂની ખર્ચ પેટે 10000 રુપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે.
29 જૂનના રોજ જાહેર કરાયેલા પોતાના આદેશમાં કમિશને નોંધ્યું હતું કે, ખરીદીની તારીખથી લગભગ એક મહિનાના ટૂંકા ગાળામાં જ ખામીઓ દેખાવી એ દર્શાવે છે કે વેચાયેલી પ્રોડક્ટ નબળી ગુણવત્તાની (સબસ્ટાન્ડર્ડ) હતી અને ગ્રાહક દ્વારા અપેક્ષિત વ્યાજબી ધોરણોને અનુરૂપ નહોતી.
ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમણે 30 ઓગસ્ટ 2020ના રોજ કંપનીના સ્ટોર પરથી રનિંગ શૂઝની એક જોડી ખરીદી હતી. આ શૂઝની નિર્ધારિત કિંમત 12,999 રુપિયા હતી, પરંતુ 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે તેમને 6499 રુપિયામાં વેચવામાં આવ્યા હતા. ખરીદીના લગભગ એક મહિનાની અંદર જ શૂઝનો ઉપયોગ કરતી વખતે તેમને અસુવિધા થવા લાગી હતી અને જાણવા મળ્યું હતું કે તેનો સોલ (તળિયું) હીલથી અલગ થઈ ગયો હતો અને બાજુઓમાંથી ગુંદર ઉખડી ગયો હતો.
શૂઝ બદલી આપવાને બદલે માત્ર ક્રેડિટ વાઉચર!
ખરીદેલા શૂઝ નબળી ગુણવત્તાના નીકળતાં તેમજ કંપની તરફથી યોગ્ય પ્રત્યુત્તર ન મળતાં ગ્રાહક ફોરમમાં દાવો કર્યો હતો કે આ ખામીના કારણે તેઓ ચાલતાં ચાલતાં ફસડાઇ ગયા હતા અને તેનાથી કોઈ ગંભીર અકસ્માત પણ થઈ શક્યો હોત.
તેમણે શૂઝ સ્ટોર પર પરત મોકલ્યા હતા અને તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમનો ક્લેમ મંજૂર કરવામાં આવ્યો છે. જોકે, તે જ મોડલના શૂઝ બદલી આપવા અથવા ખરીદ કિંમત રિફંડ કરવાને બદલે, કંપનીએ તેમને ક્રેડિટ વાઉચર સ્વીકારવા માટે કહ્યું હોવાનો આક્ષેપ છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે દુકાનને સમાન મોડલ સાથે શૂઝ બદલી આપવા અથવા ચૂકવેલી રકમ પરત કરવા વારંવાર વિનંતી કરવા છતાં તેમની માંગ નકારી કાઢવામાં આવી હતી. સેવામાં ખામી અને અયોગ્ય વ્યાપારી રીતરસમનો આક્ષેપ કરીને આખરે તેમણે કન્ઝ્યુમર ફોરમનો આશ્રય લીધો હતો.
સ્પોર્ટ્સવેર કંપનીએ સ્વીકાર્યું હતું કે તેણે ગ્રાહકનો એક્સચેન્જ ક્લેમ મંજૂર કર્યો હતો, પરંતુ તેમના ટેકનિકલ વિશ્લેષણમાં ઉત્પાદનને લગતી કોઈ ખામી (મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ) સામે આવી નથી. કંપનીએ દાવો કર્યો હતો કે આ એક્સચેન્જ ઓફર માત્ર ગ્રાહક સાથે સારા સંબંધો જાળવવા માટેની એક ગુડવિલ જેસ્ચર હતી.
કંપનીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફરિયાદીએ એક્સચેન્જ સ્વીકારવાને બદલે ગેરકાયદેસર રકમની માંગણી કરી હતી. કંપનીએ ગ્રાહકને ખરીદીની રકમનું ક્રેડિટ વાઉચર આપવાની વાતનો પણ ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો । ટિકિટના પૈસા 3 વર્ષ દબાવી રાખનાર ‘Yatra Online’ ને કોર્ટે પાઠ ભણાવ્યો, જાણો આખો કિસ્સો
ગ્રાહક ફોરમે કેસ મામલે શું ધ્યાનમાં લીધું
- કમિશને શૂઝમાં કોઈ મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ ન હોવાની કંપનીની દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
- કમિશને નોંધ્યું કે જો એવું જ હોત, તો કંપની પાસે ગ્રાહકનો એક્સચેન્જ ક્લેમ મંજૂર કરવાનું કોઈ કારણ નહોતું.
- કંપની શૂઝમાં મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ ન હોવાના પોતાના દાવાના સમર્થનમાં કોઈ ટેકનિકલ અહેવાલ, નિષ્ણાતનો અભિપ્રાય અથવા લેબોરેટરી વિશ્લેષણ રજૂ કરવામાં નિષ્ફળ રહી હતી.
- કોઈ પુરાવા વિના, કંપનીના માત્ર દાવાઓ ફરિયાદીના દસ્તાવેજી પુરાવાઓને ખોટા સાબિત કરી શકે નહીં.
- ફરિયાદીએ કંપની પાસે ગેરકાયદેસર રકમ માંગી હોવાનો પણ કોઈ પુરાવો નહોતો.
- જો ગ્રાહકે એક્સચેન્જ લેવાનો ઇનકાર કર્યો હતો, તો પણ કંપની ખરીદીની રકમ રિફંડ અથવા ક્રેડિટ કરી શકી હોત.
રિફંડ અને રાહતનો આદેશ
| વિગત | રુપિયા |
| શૂઝની ખરીદ કિંમત જે રિફંડ અપાયું | 6499 |
| માનસિક ત્રાસ, કાનૂની ખર્ચનું વળતર | 10000 |
| કુલ ચૂકવવાપાત્ર રકમ | 16499 |
એક ગ્રાહક જ્યારે મોંઘા અને બ્રાન્ડેડ રનિંગ શૂઝ ખરીદે છે ત્યારે તે વ્યાજબી ટકાઉપણાની અપેક્ષા રાખવાનો હકદાર છે તેવું અવલોકન કરીને, કમિશને ઠેરવ્યું કે એક મહિનામાં જ ખામીઓ દેખાવી એ બાબત પ્રોડક્ટ નબળી ગુણવત્તાની હોવાનું સૂચવે છે.
આ ઘટનાને કેટલાક વર્ષો વીતી ગયા હોવાથી અને હવે ખામીયુક્ત શૂઝ બદલી આપવા વ્યવહારુ ન હોવાથી, કમિશને કંપનીને ખરીદ કિંમત પરત કરવા અને 10000 રુપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે આ આદેશનું 60 દિવસની અંદર પાલન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો । શું તમે કોસ્મેટિક સ્કીન સારવાર કરાવો છો? તો જાણો, મહિલા ડોક્ટરે જીત્યો ₹69,000 નો ગ્રાહક વળતર કેસ
આવી જ સમસ્યાઓનો સામનો કરી રહેલા ગ્રાહકો સહાયતા માટે સંબંધિત રાજ્યની ગ્રાહક હેલ્પલાઇન અથવા નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 પર સંપર્ક કરી શકે છે.
