સાઉદી અરેબિયાના રિયાધમાં આવેલી ભારતીય દૂતાવાસે રવિવારે ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. ઈરાન સમર્થિત હુથી બળવાખોરોના હુમલાને પગલે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે, જેને ધ્યાનમાં રાખીને દૂતાવાસે ભારતીયોને સાઉદી અધિકારીઓઓ દ્વારા જારી કરાયેલી તાજેતરની કટોકટી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે જ્યાં સુધી ખતરો ટળી ન જાય ત્યાં સુધી તેઓ ઘર કે ઈમારતની અંદર જ રહે, ખુલ્લી જગ્યાઓ, બારીઓ અને કાચથી દૂર રહે અને બાલ્કની કે છત પર ઊભા રહેવાનું ટાળે.
એડવાઈઝરીમાં લોકોને શાંત રહેવા અને તાત્કાલિક ઈમારતની અંદરના સૌથી સુરક્ષિત વિસ્તારમાં જતા રહેવા માટે કહેવામાં આવ્યું છે. બારીઓથી દૂર, ઈમારતની અંદરના કોઈ રૂમમાં આશરો લેવાની સલાહ આપવામાં આવી છે. જે લોકો બહાર છે તેમને નજીકની ઈમારતમાં જતા રહેવા અથવા કોઈ મજબૂત આડશ પાછળ આશરો લેવા સૂચના અપાઈ છે. લોકોને ભીડભાડવાળા કે વધુ જોખમી વિસ્તારોમાં ન જવા અને ફોટા પાડવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે.
જો વાહન ચલાવતી વખતે કોઈ ચેતવણી મળે તો વાહનને રસ્તાની બાજુમાં ઊભું રાખી દેવું જોઈએ, ખાસ કરીને પુલ અને ઊંચી ઈમારતોથી દૂર. કોઈપણ જોખમ કે ખતરાના કિસ્સામાં, મક્કા, મદીના, રિયાધ અને પૂર્વીય પ્રાંત (ઈસ્ટર્ન પ્રોવિન્સ) વિસ્તારોમાં રહેતા લોકો 911 પર, અને સાઉદી અરેબિયાના અન્ય વિસ્તારોમાં રહેતા લોકો 998 પર સંપર્ક કરી શકે છે. તેમને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સત્તાવાર માધ્યમોથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ જણાવવામાં આવ્યું છે. યમનના હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયા પર ડ્રોન અને મિસાઈલ હુમલાઓ બાદ સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. જેમાં 10 ઓક્ટોબરે રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલો ખતરનાક હુમલો પણ સામેલ છે.
આ પણ વાંચો: ₹4 લાખના બંગલાને માન્યો હતો અશુભ, આજે જીતેન્દ્ર ₹1414 કરોડના રિયલ એસ્ટેટ સામ્રાજ્યના માલિક
આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હતા, જેના પગલે દૂતાવાસે ફરી એકવાર પોતાની સુરક્ષા સલાહકારી જાહેર કરી છે. 10 ઓક્ટોબરના હુમલા બાદ દૂતાવાસે ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવા, હવાઈ હુમલા દરમિયાન ઘરની અંદર રહેવા અને ચાલી રહેલી ઘટનાઓ સંબંધિત માહિતી, ફોટા કે વીડિયોનું શૂટિંગ ન કરવા, તેને પ્રકાશિત ન કરવા કે શેર ન કરવા માટે અનુરોધ કર્યો હતો.
