મનોરંજન ન્યૂઝ | ગુજરાતી ફિલ્મ સંગીત, લોકસંગીત અને સુગમ સંગીતના શિખર સમાન દિગ્ગજ સંગીતકાર અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદ ખાતે 87 વર્ષની વયે મોડી રાત્રે નિધન થયું છે. 24 નવેમ્બર, 1938ના રોજ મુંબઈમાં જન્મેલા પદ્મશ્રી અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાની અનોખી અને પ્રયોગશીલ મ્યુઝિક સ્ટાઇલથી ગુજરાતી સંગીતજગતને સમૃદ્ધ બનાવ્યું હતું.
ગૌરાંગ વ્યાસ તેમના અવસાનથી સમગ્ર કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે અને સંગીતનો એક વિરાટ સુવર્ણ યુગ પૂરો થયો છે.
સંગીતકાર ગૌરાંગ વ્યાસ અવસાન
વર્ષ 1967માં અમદાવાદ ખાતે નયનાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા ગૌરાંગ વ્યાસની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન આંબાવાડીના મોરેના એપાર્ટમેન્ટ, હીરાબાગ ક્રોસિંગ પાસેથી સવારે 11:30 વાગ્યે નીકળશે.
તેમના અવસાનથી સ્થાનિક કલાકારો, ગાયકો, નિર્માતાઓ અને સંગીતપ્રેમીઓએ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પિતાની છાયામાંથી બહાર આવી પોતાની સ્વતંત્ર સંગીત પરંપરા ઊભી કરનાર ગૌરાંગ વ્યાસ પોતાની અમર રચનાઓ દ્વારા ગુજરાતની સામૂહિક સ્મૃતિમાં સદા જીવંત રહેશે.
ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસ
નાનપણથી જ ઘરમાં સંગીતનો સમૃદ્ધ માહોલ મળવાને કારણે ગૌરાંગ વ્યાસે માત્ર 5 વર્ષની ઉંમરે હાર્મોનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કરી મુંબઈની જાણીતી એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી શરૂ કરી હતી.
સંગીત પ્રત્યેના તીવ્ર આકર્ષણ અને ખેંચાણને કારણે તેમણે નોકરી છોડીને પોતાનું સમગ્ર જીવન સંગીત સાધનાને સમર્પિત કર્યું હતું.
ગુજરાતી સિનેમામાં દેશના સર્વશ્રેષ્ઠ ગાયકોનો ઉપયોગ કરવામાં તેમનું મોટું પ્રદાન રહ્યું હતું. લતા મંગેશકરના કાળજું કોરી ખાતા સ્વરમાં તેમણે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ ગીત સ્વરબદ્ધ કર્યું હતું, જે આજે પણ વિદાય વેળાએ આંખો ભીની કરે છે.
તેમણે આશા ભોંસલે, કિશોર કુમાર, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, ભુપિન્દર સિંહ અને પ્રફુલ્લ દવે જેવા ગાયકો પાસે ‘મણિયારો તે હળુ હળુ થઈ રે વિયો’ અને ‘હુ તુ તુ તુ, જામી રમતની ઋતુ’ જેવાં યાદગાર ગીતો ગવડાવ્યાં હતાં.
એશા દેઓલ હવે માલામાલ વીકલી 2 માં જોવા મળશે, બીજું કોણ જોવા મળશે ફિલ્મમાં?
ગરબામાં યોગદાન
ગુજરાતી વિશ્વકોશ મુજબ ગૌરાંગ વ્યાસે ફિલ્મો ઉપરાંત સુગમ સંગીતમાં 500થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હતું. તેમણે ‘લાખ લાખ દિવડા’, ‘ઘોર અંધારી રે રાતલડીમાં’ જેવા પ્રખ્યાત ગરબા તેમજ ‘તુ રંગાઈ જાને રંગમાં’ જેવાં ભજનો તૈયાર કર્યાં હતાં.
તેમણે ‘જલારામની ઝુંપડી’, ‘ભજન અનમોલ’, ‘ગંગા સતીનાં ભજનો’, ‘કહત કબીર’, ‘જલારામ બાપાનું હાલરડું’, ‘પ્રાચીન પ્રભાતિયાં’ અને ‘નોન સ્ટોપ ડાંડીયા-રાસ’ જેવા યાદગાર આલ્બમો આપ્યા હતા.
સંગીતકાર ગૌરાંગ વ્યાસ એવોર્ડ
ગુજરાતી ફિલ્મોમાં શ્રેષ્ઠ સંગીત નિર્દેશન માટે તેમને 11 જેટલા રાજ્યકક્ષાના પુરસ્કારો અને GIFA તરફથી ગોલ્ડન એવોર્ડ એનાયત કરાયો હતો. વર્ષ 2022માં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને પ્રતિષ્ઠિત ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા.
વર્ષ 2024માં ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને ગુજરાત ટુરિઝમ દ્વારા પણ તેમના મહાન પ્રદાન બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
