મનોરંજન ન્યૂઝ | અજય દેવગન અભિનીત કોમેડી ડ્રામા ફિલ્મ ‘ધમાલ 4’ (Dhamal 4) ને દર્શકો અને સમીક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે, તેમ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મેળવ્યું છે. ‘ધમાલ 4’ એ રિલીઝના પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હોવા છતાં, તે ધમાલ ફ્રેન્ચાઈઝીની આ અગાઉની ફિલ્મ ‘ટોટલ ધમાલ’ કરતાં ઓછી કમાણી કરી શકી છે.
ધમાલ 4 બોક્સ ઓફિસ કલેકશન ડે 1
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ ધમાલ 4 એ શુક્રવારે આશરે ₹10.64 કરોડનું કલેક્શન કર્યું છે.જો કે, ‘ધમાલ 4’ એ આ ફ્રેન્ચાઈઝીની પ્રથમ બે ફિલ્મો કરતાં ઘણો સારો દેખાવ કર્યો છે. આ સિરીઝની કલ્ટ ક્લાસિક ગણાતી પ્રથમ ફિલ્મ ‘ધમાલ’ એ તેના ઓપનિંગ ડે પર ₹2.38 કરોડની કમાણી કરી હતી અને વિશ્વભરમાં કુલ ₹50.73 કરોડનું ગ્રોસ કલેક્શન મેળવ્યું હતું.
બીજી તરફ, ‘ડબલ ધમાલ’ ફિલ્મે તેના પ્રથમ દિવસે ₹7.6 કરોડ કમાયા હતા અને વિશ્વભરમાં લાઈફટાઈમ ₹70.54 કરોડનું કલેક્શન નોંધાવ્યું હતું. જ્યારે આ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ એ તેના ઓપનિંગ ડે પર ₹16.5 કરોડ એકઠા કર્યા હતા અને વિશ્વભરમાં કુલ ₹228.7 કરોડની ગ્રોસ કમાણી કરી હતી.
શુક્રવારે આ ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મે સિનેમાઘરોમાં દર્શકોની સરેરાશ હાજરી (ઓક્યુપન્સી) 18.47% નોંધી હતી, જેમાં સવારના શોમાં 8.38%, બપોરના શોમાં 19.15% અને સાંજના શોમાં 24.85% ઓક્યુપન્સી જોવા મળી હતી. સેકનિલ્ક પર નાઈટ શોના ઓક્યુપન્સીના આંકડા હજુ અપડેટ થવાના બાકી છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી અન્ય ફિલ્મો તરફથી પણ સ્પર્ધા મળી રહી છે, જેમાં આલિયા ભટ્ટની ‘આલ્ફા’ અને અક્ષય કુમાર અભિનીત ‘વેલકમ ટુ ધ જંગલ’ સામેલ છે.
બીજી તરફ ફિલ્મ નિર્માતાઓએ ‘ધમાલ 4’ ના પોસ્ટ-ક્રેડિટ સીનમાં સત્તાવાર રીતે ‘ધમાલ 5’ ની જાહેરાત કરી દીધી છે. તેમણે ખુલાસો કર્યો છે કે આ પાંચમા ભાગ પર કામ શરૂ થઈ ચૂક્યું છે અને ફરહાદ સામજી તેના દિગ્દર્શક તરીકે કમાન સંભાળશે. આ જાહેરાતથી કેટલાક ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે અન્ય કેટલાક લોકોએ નિરાશા વ્યક્ત કરી હતી અને આ ફ્રેન્ચાઈઝીમાં વધુ એક ફિલ્મ બનાવવાની જરૂરિયાત સામે સવાલો ઉઠાવ્યા હતા.
સિક્વલની જાહેરાત પર આવી મિશ્ર પ્રતિક્રિયાઓ ‘ધમાલ 4’ ને સમીક્ષકો તરફથી મળેલા નબળા પ્રતિસાદ વચ્ચે આવી છે. ‘સ્ક્રીન’ (SCREEN) ના રિવ્યુના એક અંશ અનુસાર, “આ કલાકારો એ જ કરી રહ્યા છે જે તેઓ અગાઉની ધમાલ ફિલ્મોમાં કરતા આવ્યા છે:
દેવગન હીરો તરીકેના સીન્સમાં વ્યસ્ત છે, જેમાં તે બચાવ અભિયાન માટે જહાજો અને ભેખડો પરથી કૂદકા મારે છે; અર્શદ વારસી અને જાવેદ જાફરી તેમના પ્રેમાળ ભાઈઓ તરીકેની એક્ટિંગનું પુનરાવર્તન કરે છે, જે તેઓ ઊંઘમાં પણ કરી શકે છે; સંજય મિશ્રા કૂલ દેખાવા માટે લાઈનના અંતે ‘બ્રો’ શબ્દ ઉમેરે છે: તમે વાત સમજી જ ગયા હશો.
Dhamaal 4 Movie Review । ધમાલ 4 મૂવી રિવ્યૂ, શું પહેલા 3 પાર્ટ કરતા જોરદાર સાબિત થશે? ફિલ્મ જોવી કે નહિ?
આપણે આવી ક્રીંજ કોમેડી ફિલ્મોમાં પોલિટિકલ કરેક્ટનેસ (રાજકીય રીતે યોગ્ય બાબતો) શોધવા નથી જતા. પરંતુ શું ફિલ્મમાં થોડા ઉત્સાહની આશા રાખવી વધુ પડતી ગણાય? વાઘ, મગર, ખડકો અને વાદળો બધું જ એકસાથે ઠાંસી ઠાંસીને ફિલ્મમાં છે. બે ત્રાસદાયક બાળકો આપણને પરેશાન કરે છે. અને ફિલ્મનો ક્લાઈમેક્સ ભાવુકતાથી ભરેલો છે જેના કારણે હાસ્ય ગાયબ થઈ જાય છે.”
ઇન્દ્ર કુમાર દ્વારા દિગ્દર્શિત ‘ધમાલ 4’ માં અજય દેવગન ઉપરાંત રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી, રવિ કિશન, ઉપેન્દ્ર લિમયે, ઇશા ગુપ્તા, સંજીદા શેખ અને અંજલિ આનંદ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ધમાલ ફ્રેન્ચાઈઝીનો ચોથો ભાગ છે, જે અગાઉ ધમાલ (2007), ડબલ ધમાલ (2011) અને ટોટલ ધમાલ (2019) રિલીઝ થઈ ચૂકી છે.
