ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં અબજો રૂપિયાનું દાન આવી ચૂક્યું છે. પરંતુ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નાણાકીય સંચાલન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના એક ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ મુજબ, ટ્રસ્ટની સ્થાપનાના ગણતરીના મહિનાઓમાં જ એક પ્રતિષ્ઠિત ઓડિટ ફર્મે તેના મેનેજમેન્ટને “અત્યંત બિનવ્યાવસાયિક” ગણાવ્યું હતું. આમ છતાં નાણાકીય ક્ષેત્રે લાલીયાવાડી ચાલું જ રહ્યાનું સામે આવી રહ્યું છે. જોકે હવે છ વર્ષ પહેલાં કરાયેલી આ આંતરિક ચેતવણીઓ જ અત્યારે ટ્રસ્ટ માટે મુશ્કેલીનું કારણ બની છે.
ઓડિટ બાદ પણ ₹3,500 કરોડ રોકડા છતાં કોઈ SOP નહીં
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરતા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ 5 ફેબ્રુઆરી, 2020 ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં, ટ્રસ્ટને સોના-ચાંદીના દાગીના સિવાય માત્ર રોકડ સ્વરૂપે જ આશરે ₹3,500 કરોડનું અધધ દાન મળ્યું હોવાનો અંદાજ છે.
આટલું મોટું ફંડ હોવા છતાં, કાર્યક્ષમ સંચાલન માટે ‘સિસ્ટમેટિક ઓપરેટિંગ પ્રોસેસ’ (SOP) તૈયાર કરવાની ખાનગી ઓડિટ ફર્મની ભલામણનો છ વર્ષ પછી પણ અમલ કરવામાં આવ્યો નથી. બીજી તરફ, મંદિર સમિતિ હાલમાં દાનમાં ગેરરીતિના આક્ષેપોનો સામનો કરી રહી છે, જેની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે.
2020 ઓડિટ રિપોર્ટની 5 મુખ્ય ચિંતાઓ અને જોખમો
નવેમ્બર 2020 માં સબમિટ કરાયેલા તેના રિપોર્ટમાં, ઓડિટ ફર્મે ટ્રસ્ટની કામગીરીમાં રહેલી ગંભીર નાણાકીય અને વહીવટી ખામીઓ સુચવી કરી હતી:
- નાણાકીય રિપોર્ટિંગ: દાન મેળવવા અને તેનો હિસાબ રાખવા માટે કોઈ “યોજનાબદ્ધ રેકોર્ડ” ઉપલબ્ધ નથી.
- સ્ટાફ લાયકાત: અમલીકરણના સ્તરે મેનેજમેન્ટનું માળખું અસ્પષ્ટ અને અત્યંત બિનવ્યાવસાયિક છે.
- ચેક એન્ડ બેલેન્સ: કોઈ પણ ટ્રાન્ઝેક્શન કે ડેટા એન્ટ્રી વખતે ‘સેકન્ડ કે થર્ડ ચેક’ (બીજી કે ત્રીજી વાર ચકાસણી) ની વ્યવસ્થા જ નથી.
- દાગીનાની નોંધણી: સોના-ચાંદી જેવા વસ્તુ સ્વરૂપે મળેલા દાન માટે કોઈ યોગ્ય સ્ટોક રજિસ્ટર રાખવામાં આવ્યું નથી.
- ડેટા સિક્યોરિટી: આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસીના અભાવે સંવેદનશીલ ડેટા અને માહિતીની ચોરી કે ખોટી ડેટા એન્ટ્રીનું મોટું જોખમ છે.
ઓડિટ રિપોર્ટમાં ચિંતા પણ વ્યક્ત કરાઇ હતી
ઓડિટ ફર્મે ઓડિટ રિપોર્ટમાં ધ્યાને આવેલ ક્ષતિઓ મામલે ગંભીર ચેતવણી આપતા જણાવ્યું હતું કે:
વર્તમાન પરિસ્થિતિમાં માહિતી પર નિયંત્રણ રાખવું અને પારદર્શક વ્યવસ્થા સ્થાપિત કરવી મુશ્કેલ બનશે. બિનવ્યાવસાયિક સ્ટાફ અને નબળા ડેટા મેનેજમેન્ટના કારણે આગામી સમયમાં શંકાસ્પદ માહિતી અને રિપોર્ટિંગ સામે આવશે તથા સ્ટાફ અને મેનેજમેન્ટમાં ગેરમાર્ગે દોરવાની વૃત્તિ વધશે.
ટ્રસ્ટ સાથે જોડાયેલા એક આંતરિક સૂત્રએ સ્વીકાર્યું કે: જો તે સમયે જ ઓડિટ ફર્મ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ અને ભલામણો પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હોત, તો આજે ટ્રસ્ટે આ પ્રકારની નાણાકીય ગેરવ્યવસ્થા અને બદનામીનો સામનો કરવો પડત નહીં.
આઈટી (IT) અને એચઆર (HR) વિભાગનો અભાવ
તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા હજારો લોકોને રોજગારી આપવામાં આવી હોવા છતાં, ત્યાં કોઈ પ્રોફેશનલ એચઆર (HR) વિભાગ કાર્યરત નથી. આ ઉપરાંત:
નિયમિત બેંક રિકોન્સિલિએશન (ખાતા મેળવણી) થતી નથી.
એકાઉન્ટિંગ ડેટા એન્ટ્રી અને MIS (મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ) માટે લાયકાત ધરાવતો સ્ટાફ નથી.
આઈટી સર્વિસ પ્રોવાઇડર અને ટ્રસ્ટ વચ્ચે સંકલન માટે કોઈ સમર્પિત ટીમ નથી, જેનાથી ડેટા લીક થવાનું જોખમ સર્જાયું છે.
સત્તાવાર પ્રતિક્રિયાઓ: ટ્રસ્ટનું મૌન અને SIT તપાસ
હાલમાં રામ મંદિરમાં દાનમાં આવેલા દાગીના તેમજ રોકડનો કોઈ હિસાબ ન હોવાના તાજેતરના આક્ષેપોને પગલે ટ્રસ્ટનું મેનેજમેન્ટ ભારે દબાણમાં છે. આ વિવાદ વચ્ચે:
- SIT તપાસ: એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા મંગળવારે ઉત્તર પ્રદેશ સરકારને આ મામલે પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે.
- ટ્રસ્ટનું વલણ: ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ દ્વારા ટ્રસ્ટના એકાઉન્ટન્ટ અને જનરલ સેક્રેટરી ચંપત રાયને આ ઓડિટ રિપોર્ટ અંગે વિગતવાર પ્રશ્નો મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ પર પણ કોઈ એસઓપી (SOP) કે ઇન્ટરનલ ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: રામ મંદિર પ્રસાદ વિવાદ મામલે SIT ની તાકીદ
અયોધ્યાનું રામ મંદિર માત્ર પથ્થરો અને સિમેન્ટનું માળખું નથી, પણ કરોડો ભારતીયોની અતૂટ આસ્થા, સદીઓની પ્રતીક્ષા અને પરસેવાની કમાણીમાંથી અપાયેલા દાનનું પ્રતીક છે. ઓડિટ રિપોર્ટની આ ક્ષતિઓ માત્ર વહીવટી ખામી નથી, પણ આસ્થા સાથે ખિલવાડ છે.
આ પણ વાંચો: ઉજ્જૈન જમીન વિવાદ: CM મોહન યાદવના પરિવારે જમીન ખરીદી, ત્યાં સરકારે બનાવ્યા નવા પ્રોજેક્ટ્સ
