Final Up to date:
મુંબઈમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી. હત્યા બાદ તેણે દીકરાને વીડિયો કોલ પર માતાનો મૃતદેહ બતાવ્યો. દીકરાની ફરિયાદ બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.
મુંબઈ: દેશમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, લોકોને નજીવી બાબતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. પરિવારમાં કોઈ પણ વાતે અણબનાવ બન્યો હોય, તો એ વાતનું સમાધાન કરવાની જગ્યાએ વ્યક્તિ વિકૃત બની જાય છે અને એવી ઘટનાને અંજામ આપે છે, જેના પછી પસ્તાવા સિવાય કંઈ બચતું નથી. એવી એક ઘટના મુંબઈમાં બની છે, જ્યાં એક વ્યક્તિએ માનવતાની બધી હદ પાર કરી દીધી છે.
જાણવા મળતી માહિતી, મુંબઈના ધારાવીમાં પતિએ તેની પત્નીની હત્યા કરી દીધી. હદ તો ત્યારે પાર થઈ જ્યારે તેણે તેના દીકરાને વોટ્સએપમાં વીડિયો કોલ પર આ ઘટના વિશે જાણકારી આપી, એટલું જ નહીં દીકરાને પત્નીનો લોહીલુહાણ હાલતમાં પડેલો મૃતદેહ પણ બતાવ્યો. દીકરા શિવરામ સોલંકીની ફરિયાદ પર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને શંકા હતી કે તેની પત્ની તેના પર કાળો જાદુ કરતી હતી. હાલ પોલીસનું કહેવું છે કે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીની ઓળખ અમૃત સોલંકી તરીકે થઈ છે. તે અવારનવાર પોતાની 52 વર્ષીય પત્ની સુરજબેન સોલંકી સાથે ઝઘડો કરતો હતો અને વારંવાર તેના પર પોતાના વિરુદ્ધ કાળો જાદુ કરવાનો આરોપ લગાવતો હતો. આ ઘટના ગત શુક્રવારે બપોરે ત્યારે સામે આવી જ્યારે દંપતીનો દીકરો શિવરામ સોલંકી (ઉં.વ.33), જે મુલુંડમાં રહે છે, ધારાવી સ્થિત તે પોતાના માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. દરવાજો અંદરથી બંધ જોઈને તેણે પોતાના પિતાને ફોન કર્યો હતો.
ફરિયાદ અનુસાર, અમૃત સોલંકીએ ફોન ઉપાડ્યો અને પોતાના દીકરાને વોટ્સએપમાં વીડિયો કોલ પર વાત કરવા માટે કહ્યું. વીડિયો કોલ દરમિયાન આરોપીએ પોતાના દીકરાને જણાવ્યું કે, તેણે પોતાની પત્નીનું ગળું દબાવ્યું અને તેના પર બોટલથી હુમલો કર્યો, પછી તેણે ચાલુ વીડિયો કોલમાં ફોન સુરજબેનના મૃતદેહ તરફ કર્યો, જે જમીન પર પડેલો હતો અને તેનો ચહેરો લોહીથી ખરડાયેલો હતો.
ત્યારબાદ શિવરામ સોલંકીએ તરત જ પોલીસના હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો અને બાદમાં પોતાના પિતા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાવ્યો, જેમાં તેણે કહ્યું કે તેના પિતા અવારનવાર નાની-નાની વાતો પર તેની માતા સાથે ઝઘડો કરતા હતા. તેને શંકા હતી કે તેની માતા મેલી વિદ્યા કરે છે. ઘટના વિશે સૂચના મળતા જ પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દરવાજો તોડીને સુરજબેનને હોસ્પિટલ લઈ ગઈ હતી. ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે હત્યાનો મામલો નોંધીને આરોપી અમૃત સોલંકીની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે.
Mumbai,Maharashtra

