Final Up to date:
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફલસુંડ ગામના રહેવાસી અને ઘડિયાળ રિપેરિંગનો વ્યવસાય કરતા મોહનલાલ મેઘવાલનો 26 વર્ષીય દીકરો રતનકુમાર મેઘવાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. એમબીબીએસના ફાઈનલ યરના વિદ્યાર્થીના આપઘાત મામલે ગંભીર વળાંક આવ્યો છે.
રાજકોટ: એમબીબીએસના ફાઈનલ યરના વિદ્યાર્થીના આપઘાત મામલે ગંભીર વળાંક આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે મૃતક વિદ્યાર્થી રતન કુમાર મેઘવાલને માનસિક અને શારીરિક હેરાનગતિ કરવા અંગે તેના સાથી પાંચ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક રતન કુમાર મેઘવાલના 57 વર્ષીય મોહનલાલ મેઘવાલ નામના પિતા દ્વારા બીએનએસની કલમ 108, 3(5) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ એઇમ્સ ખાતે MBBS નો અભ્યાસ કરનારા પ્રણવ પાલિવાલ, અસ્મિતા શર્મા, આયુષ યાદવ, નિર્વિઘ્નમ નૂર અને યુવરાજ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફલસુંડ ગામના રહેવાસી અને ઘડિયાળ રિપેરિંગનો વ્યવસાય કરતા મોહનલાલ મેઘવાલનો 26 વર્ષીય દીકરો રતનકુમાર મેઘવાલ છેલ્લા ચાર વર્ષથી રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો અને હાલમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો હતો. 14 માર્ચ 2026ના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યે જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારીયા નજીક રેલવે ટ્રેક પર રતન કુમારે ટ્રેન નીચે આવી આપઘાત કરી લીધો હતો. ઘટના સ્થળેથી રેલવે પોલીસને રતન કુમારની બેગ મળી આવી હતી. જેમાં મોબાઇલ ફોન, ટેબલેટ અને નોટબુક મળી આવી હતી. નોટબુકમાં 17 પેજની અંતિમ ચિઠ્ઠી મળી આવી છે, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં લખાણ છે.

અંતિમ ચિઠ્ઠીમાં રતનકુમારે લખ્યું છે કે, યુવતી સાથે સંબંધ હોવાની શંકાને આધારે સાથે અભ્યાસ કરતા કેટલાક લોકોએ જાન્યુઆરી 2026થી તેની સાથે મારપીટ અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. નોટમાં 27 જાન્યુઆરી 2026ના રોજ પોતાની સાથે થયેલી શારીરિક અને માનસિક પ્રતાડનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ અંતિમ ચિઠ્ઠીમાં “આ નોટને રતનનું ડાઇંગ ડિક્લેરેશન માનવામાં આવે” એવો ઉલ્લેખ કરી પાંચ લોકોના નામ જવાબદાર તરીકે લખવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મૃતકના પિતાનો આક્ષેપ છે કે સતત હેરાનગતિના કારણે તેમનો દીકરો માનસિક રીતે તૂટી ગયો હતો અને અંતે આત્મહત્યાનું પગલું ભરવા મજબૂર થયો હતો.
હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર મામલાની તપાસ એસીપી એસ.સી.એસ.ટી. સેલ ચિંતન પટેલને સોંપવામાં આવી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતાની સાથે તમામ 5 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ તેમના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

