Final Up to date:
ગુજરાત સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં 4.15% વધુ પાણી ઉપલબ્ધ છે. મુખ્ય જળાશયોમાં 72% અને સરદાર સરોવર ડેમમાં 74% પાણીનો જથ્થો છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે.
ગાંધીનગર: ગુજરાતમાં હાલ માર્ચ મહિનાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ઉનાળો હજુ શરૂ જ થયો છે, તે સમયે તાપમાન 40-42 ડિગ્રીએ પહોંચ્યું છે. આવા તાપમાનમાં પીવાના પાણી સાથે સાથે ઉનાળું ખેતી પાકમાં પણ વધુમાં વધુ સિંચાઈના પાણીની જરૂર પડે છે, જેથી જગતના તાતને ચિંતા સતાવી રહી છે કે, આ વર્ષે ઉનાળામાં સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળશે કે નહીં. જોકે ખેડૂતોની આ ચિંતાને દૂર કરતા એક સારા સમાચાર હાલ સરકાર તરફથી સામે આવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 4.15 ટકા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાની માહિતી હાલ સરકારે આપી છે.
વિગતે વાત કરીએ તો, તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને આજે એક કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ચર્ચાયેલા વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉનાળાની સિઝનમાં રાજ્યના પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની માહિતી મેળવી હતી.
આ અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ કુલ 6.46 લાખ MCFT એટલે કે, 72 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીનો જથ્થો 4.15 ટકા વધારે એટલે કે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
ગુજરાત જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જ હાલની સ્થિતિએ 74 ટકાથી વધુ એટલે કે 2.47 લાખ MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 2.34 લાખથી વધુ MCFT પાણીનો જથ્થો જળાશયોમાં ઉપલબ્ધ છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 65,179 MCFT; ઉત્તર ગુજરાતમાં 24,842 MCFT; સૌરાષ્ટ્રમાં 53,621 અને કચ્છ વિસ્તારમાં 4,392 MCFT પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. જેથી આ વર્ષે પ્રત્યેક નાગરિકને પીવાનું અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી ઉપલબ્ધ થશે તેવી આશા જાગી છે.
Gandhinagar,Gujarat

