રાધનપુરમાં વધુ એક સમાજે સમાજમાં કુરિવાજો ડામવા બંધારણ ઘડ્યું છે. રોહિત સમાજે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોને ડામીને આધુનિક અને શિક્ષણલક્ષી વિકાસ તરફ વળવા માટે વધુ એક પગલું ભર્યું છે. સમાજના આગેવાનો, પ્રમુખો અને સંતોની હાજરીમાં 14 જેટલા નિયમોનું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ બંધારણ વઢિયાર, જાતોડા અને પરગણા વિસ્તારના 92 ગામોના રોહિત સમાજને લાગુ પડશે. મહત્વનું છે કે સમાજમાં કુરિવાજો બંધ કરીને શિક્ષણ પર ભાર મૂકવાની અપીલ પણ બંધારણ દ્વારા કરવામાં આવી છે. રોહિત સમાજના અગ્રણીઓ દ્વારા નક્કી કરાયેલા બંધારણના નિયમ પ્રમાણે લગ્ન પ્રસંગ, બેસણા, સગાઈ, શ્રીમંત, મામેરા સહિત અનેક પરંપરાગત કુરિવાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બંધારણના મુખ્ય નિયમોમાં સગાઈ પ્રસંગે માત્ર 11 વ્યક્તિઓ જ જઈ શકશે, જ્યારે લગ્ન જાનમાં પણ 11 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી છે. લગ્ન પ્રસંગે ભોજન સમારંભ યથાશક્તિ પ્રમાણે રાખી શકાશે, પરંતુ ડીજે અને બેન્ડવાજાં જાનમાં લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં, હલ્દી રસમ, ફટાકડા ફોડવા, એન્ટ્રી, બ્યુટી પાર્લર અને પ્રિ-વેડિંગ જેવી આધુનિક પ્રથાઓ પર પણ કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે જ લગ્નમાં વર અને કન્યા પક્ષ તરફથી સૂટ-શેરવાની અને ચણિયા ચોલી પહેરવા પર પ્રતિબંધ મૂકીને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કપડાં પહેરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. વર પક્ષ તરફથી આપવાના સોના-ચાંદીના દાગીનામાં મંગળસૂત્ર, ચાંદીના કંગન, ચાંદીની ઝાંઝરી અને સોનાની 5 ગ્રામની બૂટી જ આપી શકાશે.
