Final Up to date:
સુરતના સિંગણપોર વિસ્તારમાં ATSએ ગેરકાયદેસર કેમિકલ નિકાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો. નિકુંજ હરેશભાઈ ગડિયાનીની ધરપકડ. મલેશિયા અને થાઈલેન્ડમાં કેમિકલ નિકાસ. કોર્ટમાં રિમાન્ડ મંજૂર.
સુરત: શહેરના સિંગણપોર વિસ્તારમાં ગેરકાયદેસર કેમિકલ નિકાસના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઈ છે. Anti-Terrorism Squad (ATS) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ‘ઓટો-ઇન્ટરમીડિએટ OPI’ નામના કેમિકલ પાવડરને ‘એલોવેરા પાવડર’ તરીકે ખોટું લેબલ લગાવી વિદેશ મોકલાતું હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે ATSએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને મુખ્ય આરોપી નિકુંજ હરેશભાઈ ગડિયાનીની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, સુરતમાંથી મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં આ કેમિકલ પાવડરની નિકાસ કરવામાં આવતી હતી. આરોપીઓ દ્વારા કેમિકલને હર્બલ પ્રોડક્ટ તરીકે દર્શાવીને કસ્ટમ્સ પ્રક્રિયા પાર કરવામાં આવતી હોવાનું ATSના પ્રાથમિક તારણોમાં સામે આવ્યું છે. તપાસમાં બોગસ બિલ અને ખોટી જાહેરાતના આધારે માલ વિદેશ મોકલવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પકડાયેલા આરોપી નિકુંજ ગડિયાનીને કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ATSએ દલીલ કરી કે આરોપી દ્વારા બોગસ બિલ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ કસ્ટમ્સ સમક્ષ ખોટી માહિતી રજૂ કરીને માલ નિકાસ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિદેશ મોકલાયેલા માલ બદલ મળેલા નાણાં ક્યાંથી આવ્યા અને તે કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા તેની વિગતવાર તપાસ કરવી જરૂરી હોવાનું પણ ATSએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું.
તપાસ એજન્સીએ કોર્ટમાં વધુમાં જણાવ્યું કે, આરોપીના બેંક એકાઉન્ટ અને અન્ય નાણાકીય વ્યવહારોની તપાસ કરવી અત્યંત જરૂરી છે. સાથે સાથે મલેશિયામાં આ સમગ્ર નેટવર્ક કોણ સંચાલિત કરે છે અને વિદેશમાં કોણ આ માલ સ્વીકારતું હતું તે બાબતે પણ પૂછપરછ કરવી જરૂરી હોવાનું જણાવાયું. આ ઉપરાંત આ ગેરકાયદેસર નિકાસના કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે જાણવા માટે પણ આરોપીની કસ્ટડી જરૂરી હોવાનું ATSએ રજૂઆત કરી. બીજી તરફ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ‘OPI પાવડર’ કોઈ પ્રતિબંધિત પદાર્થ નથી અને તે કાયદેસર રીતે ખરીદવામાં આવ્યું હતું.
આરોપી પાસે જીએસટી બિલ સાથે માલ ખરીદીના પુરાવા પણ છે, તેથી આ કેસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિનો કોઈ સવાલ ઊભો થતો નથી તેવી દલીલ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તપાસને ધ્યાનમાં રાખીને આરોપી નિકુંજ હરેશભાઈ ગડિયાનીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે ATS આરોપી પાસેથી વિગતવાર પૂછપરછ કરીને સમગ્ર નેટવર્ક, નાણાકીય વ્યવહારો અને વિદેશી કનેક્શન અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરશે. પ્રાથમિક તપાસમાં સામે આવેલા આ ખુલાસાઓ બાદ સુરતમાંથી ચાલતા ગેરકાયદેસર નિકાસના અન્ય નેટવર્ક પણ તપાસના રડારમાં આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

