Final Up to date:
અરવલ્લીની પહાડીઓને ચીરીને બનતી 1.83 કિલોમીટર લાંબી ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું કામ તારંગાહિલ્સ–અંબાજી–આબુ રોડ રેલવે પ્રોજેક્ટ હેઠળ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રૂ. 2700 કરોડ ખર્ચે 2028 સુધી પૂર્ણ થનાર આ ટનલથી અંબાજી-આબુ રોડ કનેક્ટિવિટી, પ્રવાસન, રોજગારીમાં વધારો થશે.
બનાસકાંઠા: અંબાજી પાસે ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનું નિર્માણ થતા રાજ્યમાં ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. તારંગાહિલ્સ–અંબાજી–આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધિન આ ટનલ અરવલ્લીની કઠણ પહાડીઓને ચીરીને બનાવવામાં આવી રહી છે. અંદાજીત રૂ. 2700 કરોડથી વધુના ખર્ચે બનનાર આ ટનલ આશરે 1.83 કિલોમીટર લાંબી, 8 મીટર ઊંચી અને 10 મીટર પહોળી હશે. જે નિર્માણ થયા બાદ ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલનો ટેગ પણ ગુજરાત પાસે આવી જશે.
તારંગાહિલ્સ–અંબાજી–આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલી ગુજરાતની સૌથી લાંબી ટનલની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ પ્રોજેક્ટના સૌથી પડકારજનક ભાગ સમાન આ મુખ્ય ટનલ ઉપરાંત, અન્ય 11 નાની ટનલ અને 100 જેટલા નાના-મોટા પુલોનું બાંધકામ હોવાનું ત્યાં કામ કરતા એન્જિનિયરો વર્ણવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, હાલ અમે 40 ટકા જેટલું કામ કરી નાખ્યું છે. અમે આમાં 2027ના અંતમાં કે 2028ની પહેલા 6 મહિનામાં આ કામ પૂર્ણ થશે. જે બાદ આ ટનલ આ રેલવે લાઇનને આધુનિક એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો બનાવે છે.
નોંધનીય છે કે, આશરે ₹2700 કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર થઈ રહેલો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે. તેમનું સપનું હતું કે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સીધું રેલવે કનેક્ટિવિટી સાથે જોડાય, જેથી ગુજરાત અને રાજસ્થાનના ધાર્મિક સ્થળો વચ્ચેનું અંતર ઘટે. આ રેલવે લાઇનથી લાખો શ્રદ્ધાળુઓની મુસાફરી સરળ બનશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગારીની નવી તકો પણ પ્રાપ્ત થશે, જે ઉત્તર ગુજરાતના અર્થતંત્રને નવી ગતિ આપશે.
અંબાજીથી આબુ રોડ વચ્ચેની આ ટ્રેન સફર પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્યનો અનન્ય લ્હાવો બની રહેશે. ઊંચા પહાડો, ઊંડી ખીણો અને વિશાળ પુલો વચ્ચેથી પસાર થતી ટ્રેન મુસાફરોને રોમાંચક અનુભવ કરાવશે. વર્ષ 2028 સુધીમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ત્યારબાદ, આ રેલવે લાઇન માત્ર પરિવહનનું સાધન જ નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પ્રવાસન અને વિકાસના નવા દ્વાર ખોલનારો એક મહત્વપૂર્ણ સેતુ બની રહેશે.
Banaskantha,Gujarat

