Final Up to date:
સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની પત્ની દ્વારા કોર્ટમાં છૂટાછેડાને લઈને અરજી કરવામાં આવી છે. જેમાં આગામી 20 એપ્રિલના રોજ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે પત્ની સંગીતા દ્વારા વિજય પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
તમિલ સુપરસ્ટાર વિજય અને તેની પત્નીના સંબંધો ઠીક નથી ચાલી રહ્યા. લગ્નના 27 વર્ષ પછી બંન્ને પોતાના સંબંધોનો અંત લાવવા માગે છે. વિજયની પત્ની સંગીતા સોર્મલિંગમે છૂટાછેડાની માગ સાથે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલો 27 ફેબ્રુઆરી 2026ના રોજ સામે આવ્યો છે. હવે આ ખબરથી ભારતીય ફિલ્મ જગતમાં ખળભળાટ મચ્યો છે. કારણ કે થાલાપતિ વિજયની ફેન ફોલોવિંગ હવે માત્ર સાઉથ ઈન્ડિયા સુધી સીમિત નથી પણ આખા દેશમાં તેની મોટા પ્રમાણમાં ફેન ફોલોવિંગ છે.
ઈન્ડિયા ટુડેની રિપોર્ટ પ્રમાણે થલાપતિ વિજયની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટૂ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે. આ અરજી સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની ધારા 27(1)(a) અને 27(1)(d) અંતર્ગત દાખલ કરવામાં આવી છે.
વિજયની પત્ની સંગીતા સોર્નલિંગમે આરોપ લગાવ્યો છે કે તેના એક એક્ટ્રેસ સાથે અનૈતિક સંબંધો છે. તેણે દાવો કર્યો કે વર્ષ 2021માં તેને આ વાતની જાણ થઈ કે તેના અનૈતિક સંબંધો છે. અરજીમાં આગળ કહેવામાં આવ્યું કે વિજયે આ સંબંધને પૂરો કરવાનો વાયદો આપ્યો હતો. જોકે તેણે તેના અનૈતિક સંબંધોનો અંત ન લાવ્યો.
આ સિવાય સંગીતાએ એ પણ કહ્યું કે તે તેના પતિથી છેલ્લા 2 વર્ષથી અલગ રહે છે. જોકે આ મામલે સત્તાવાર જાહેરાત નહોતી થઈ. કોર્ટ દ્વારા વિજયને 20 એપ્રિલના રોજ હાજર થવા નોટિસ આપવામાં આવી છે. આ મામલે આગામી એપ્રિલ મહિનામાં સુનાવણી થશે.
આપને જણાવી દઈએ કે વિજય અને સંગીતાના લગ્ન 25 ઓગસ્ટ 1999ના રોજ થયા હતા. જેમાં બંન્નેએ હિન્દુ અને ખ્રિસ્તી રીતિરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા, સંગીતા એક તમિલ ઉદ્યોગપતિની દીકરી છે. તે પહેલાથી વિજયની ફેન હતી. લગ્ન બાદ બંન્નેને 2 સંતાનો થયા જેના દીકરાનું નામ જેસન અને દીકરીનું નામ તેમણે દિવ્યા રાખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિજયે હાલ જ એક્ટિંગમાંથી સંન્યાસ લીધો અને તે રાજનીતિમાં સક્રિય છે. વિજય ટીવીકે દ્વારા તમિલનાડુમાં નવી રાજનૈતિક તાકાત બનાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બંન્નેના સંબંધોને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે હવે પત્ની સંગીતા દ્વારા છૂટાછેડાને લઈને કોર્ટમાં અરજી કરી દેવામાં આવી છે અને 20 એપ્રિલે કોર્ટમાં આ મામલે સુનાવણી થશે.

