મહાશિવરાત્રિના પર્વ પર મૃગીકુંડમાં સ્નાન કરવા ઘુસી ગયેલી કીર્તિ પટેલ હાલ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. ગુરુવારે કીર્તિ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. જ્યાં પોલીસની ફરજમાં અવરોધ ઊભા કરવા અને પોલીસને ધમકી આપવાના કેસમાં કીર્તિની પોલીસે પૂછપરછ કરી. નિવેદન નોંધાવ્યા બાદ કીર્તિ પટેલ પોતાના વકીલ સુરેશ પરમાર સાથે પોલીસ સ્ટેશનની બહાર આવી અને હર હર મહાદેવનો નારો લગાવ્યો. આ પહેલાં મૃગીકુંડમાં સ્નાન કરવા મામલે મંગળવારે કીર્તિ ભવનાથ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ નોંધાવેલી ફરિયાદમાં અહીં કીર્તિની પૂછપરછ કરવામાં આવી હતી. એક કલાક સુધી કીર્તિનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. મંગળવારે પણ પોલીસ સ્ટેશન બહાર આવીને કીર્તિએ સત્ય સનાતન છે અને સનાતન સત્ય છે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. સાથે જ તપાસમાં સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. વકીલે દાવો કર્યો કે કીર્તિ નિર્દોષ છે. જૂનાગઢના જ યુવકે 20 લાખની ખંડણી માગવા મામલે કીર્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને 22 ફેબ્રુઆરીએ કીર્તિની ઉદયપુરથી ધરપકડ કરાઈ હતી. બાદમાં એક દિવસના રિમાન્ડ દરમિયાન કીર્તિની પૂછપરછ થઈ અને 23 ફેબ્રુઆરીએ તેને જામીન મળી ગયા હતા. આમ જૂનાગઢમાં તાજેતરમાં કીર્તિ વિરુદ્ધ નોંધાયેલી ત્રણેય ફરિયાદમાં તેના નિવેદન નોંધવામાં આવ્યા છે. હવે પોલીસ તપાસ બાદ જો પોલીસને પુરાવા મળશે તો કેસ કોર્ટમાં પહોંચી શકે છે.
Source link
