Final Up to date:
સુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ગેલાણીના આપઘાતને લઈને હવે મોટા ખુલાસાઓ સામે આવ્યા છે. આ મામલે બિલ્ડરના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેથી હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
સુરત: શહેરમાં ચર્ચાનો વિષય બનેલા જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણીના આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા છે. પોલીસના સત્તાવાર નિવેદન મુજબ, મધ્યરાત્રિના સમયે તુષારભાઈએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
સમગ્ર મામલે તપાસ અંગે માહિતી આપતા એસીપી ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું કે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ઉમરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પીએસઆઈ બી.બી. પરમાર દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
પરિવારની અરજી બાદ તપાસને નવી દિશા કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તુષારભાઈની મોટી પુત્રી દ્વારા પોલીસ સમક્ષ લેખિત અરજી આપવામાં આવી. આ અરજીના આધારે તપાસને નવી દિશામાં આગળ વધારવામાં આવી રહી છે. પરિવારજનો અને નજીકના લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પરિવાર તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક મહિલા મિત્ર દ્વારા લાંબા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. સમાજમાં બદનામ કરવાની કોશિશ અને દબાણના કારણે તણાવ વધ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સમાધાન માટે પ્રયાસો થયા હોવા છતાં કોઈ સંતોષકારક પરિણામ ન મળ્યાની વાત સામે આવી છે.
હાલમાં મહિલા મિત્ર અને તેમની બહેનના નિવેદનો નોંધવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે. મોબાઇલ ડેટા, કોલ રેકોર્ડ, મેસેજ અને અન્ય ડિજિટલ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત, એક શૈક્ષણિક સંસ્થામાં ભાગીદારી અને સંભવિત આર્થિક અથવા વહીવટી વિવાદની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસે એવું પણ જણાવ્યું કે, કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવશે. બીજી તરફ શહેરના જાણીતા બિલ્ડર સાથે જોડાયેલા આ કેસને લઈ રિયલ એસ્ટેટ વર્તુળોમાં ચકચાર મચી છે. પોલીસ અધિકારીઓએ અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે. હાલ પોલીસ તમામ સંભવિત દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

