Final Up to date:
માહી વિજ અને જય ભાનુશાલી હાલમાં જ પોતાના છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં રહ્યા હતા. 14 વર્ષના લગ્ન જીવનના અંત બાદ માહી વિજ હવે પોતાની જિંદગીની નવી શરૂઆત કરી રહી હોય તેમ જણાય છે. હાલમાં જ માહીએ તેની વહાલી દીકરી તારા માટે એક મોંઘીદાટ ભેટ ખરીદી છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ ગણાતા માહી વિજ અને જય ભાનુશાલીએ આ વર્ષની શરૂઆતમાં જ તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. ઘણા સમયથી તેમના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ રહી હતી, અને આખરે આ કપલે પોતાનું મૌન તોડ્યું હતું અને, આ સમાચારની પુષ્ટિ કરી હતી. જય ભાનુશાલીથી છૂટાછેડાની જાહેરાત કરતી વખતે, માહી વિજે તેના ઘરે પૂજા સમારોહના ઘણા ફોટા શેર કર્યા, જેમાં સંકેત આપ્યો કે, અભિનેત્રીએ નવું ઘર ખરીદ્યું છે. હવે માહી વિજે તેની નાની પુત્રી તારા માટે લાખોની કિંમતની ચમકતી નવી કાર ખરીદી છે.
ટીવી અભિનેત્રી માહી વિજે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી તારાએ એક દિવસ મીની કૂપર ખરીદવાની જિદ્દ કરી હતી, પરંતુ તે સમયે તેનું બજેટ નહોતું, તેથી હવે માહી વિજે તેની પુત્રી તારાની ઇચ્છા પૂરી કરી છે. તેણે તેને 50 લાખ રૂપિયાની મીની કૂપર ભેટ આપી છે. અભિનેત્રીએ તેના વીડિયોનાં કેપ્શનમાં એક ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી. તેણે લખ્યું હતું કે,’જ્યારે મારી પુત્રી માત્ર ચાર વર્ષની હતી, ત્યારે તેણે મીની કૂપર જોઈ અને કહ્યું, ‘મમ્મી, મને એક દિવસ આ કાર જોઈએ છે.’ તે સમયે, હું તે કાર ખરીદી શકતી નહોતી, અને પ્રામાણિકપણે, મને ખબર પણ નહોતી કે, મારે મારી દીકરીને આટલી મોંઘી વસ્તુ આપવી જોઈએ કે નહીં. હું વિચારતી રહી, ‘શું આ ખરેખર જરૂરી છે?’
માહી વિજ આગળ કહે છે કે, ‘સપનાઓની કોઈ ઉંમર નથી હોતી. ઇચ્છાઓની કોઈ કિંમત નથી હોતી. આજે હું આ કાર ખરીદી શકું તેમ છું, અને મને એક વાત સમજાઈ છે કે આ લક્ઝરી વિશે નથી. આ તેની દીકરીની ઈચ્છા વિશે છે. આ એ યાદ વિશે છે, જે તે હંમેશા પોતાના દિલમાં રાખશે. આ એક માતાએ પોતાની દીકરીને કહેલી એ વાત વિશે છે કે,’તારાના સપનાઓ મહત્વના છે. અને જો મારાથી થઈ શકશે, તો હું તેને ચોક્કસ પૂરા કરીશ.’
જોકે, એક્ટ્રેસના પૂર્વ પતિ જય ભાનુશાલીએ માહી વિજની આ વીડિયોને રી-શેર કરી હતી, જેણે સોશિયલ મીડિયા યુઝર્સનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે. ગાડી ખરીદવા પહોંચેલી માહીની સાથે તેની બંને દીકરીઓ પણ જોવા મળી હતી. સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટ્રેસની આ સિદ્ધિ પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે.

