Final Up to date:
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ આજે ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 41 રને હારનો સામનો કરવો પડ્યો છે.
IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ આજે ઇન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 41 રને હારનો સામનો કરવો પડ્યો છે. વનડે સીરીઝની પહેલી મેચ વડોદરામાં રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે ચાર વિકેટે જીત મેળવી હતી. ત્યાર બાદ રાજકોટમાં રમાયેલી બીજી વનડેમાં કીવી ટીમે સાત વિકેટે જીત મેળવી સીરિઝ 1-1થી બરાબર કરી હતી. હવે આ મેચમાં છેલ્લી વનડેમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવીને સીરિઝ પર કબજો કર્યો છે.
મેચમાં ભારતને જીત માટે 338 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ આખી ટીમ 46 ઓવરમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત માટે વિરાટ કોહલીએ 124 રનની ઇનિંગ રમી, પરંતુ તે ટીમ ઇન્ડિયાને જીત અપાવી શક્યો નહીં. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે વનડે સીરિઝમાં 2-1થી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ પહેલી વાર ભારતમાં વનડે સીરિઝ જીત્યું છે.
338 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. રોહિત શર્મા 11 રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે કેપ્ટન શુભમન ગિલ 23 રન બનાવીને ચાલતો થયો. ત્યાર બાદ શ્રૈયસ અય્યર પણ માત્ર 3 રનમાં ક્રિસ્ટિયન ક્લાર્કનો શિકાર થયો. ગત મેચમાં સદી ફટકારનાર કેએલ રાહુલ ઇન્દોર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો. તે માત્ર એક રન બનાવી શક્યો.
ચાર વિકેટ પડ્યા પછી વિરાટ કોહલી અને નીતિશ કુમાર રેડ્ડીએ પાંચમી વિકેટ માટે 88 રનની પાર્ટનરશીપ કરી. વિરાટે 51 બોલમાં અડધી સદી બનાવી, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીએ 57 બોલમાં 3 રન બનાવ્યાં. જાડેજા પાસે મોટી ઇનિંગની આશા હતી, પરંતુ તે પણ 12 રન બનાવીને ચાલતો થયો.
ત્યાર બાદ હર્ષિત રાણા અને વિરાટ કોહલી વચ્ચે સાતમી વિકેટ માટે 99 રનની પાર્ટનરશીપ થઈ. આ દરમિયાન વિરાટ કોહલીએ 91 બોલમાં પોતાની સદી પૂરી કરી. કોહલીએ વનડે કરિયરની 54મી અને કુલ 85મી ઇન્ટરનેશનલ સદી ફટકારી. હર્ષિત રાણાએ પણ ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી, ત્યારે બાદ તે આઉટ થઈ ગયો. આગામી બોલે સિરાજે પણ વિકેટ ગુમાવી દીધી.
વિરાટ કોહલી પણ 124 રન બનાવીને આઉટ થઈ ગયો. જેણે ન્યૂઝીલેન્ડની જીત પર મહોર મારી દીધી. કોહલીએ 108 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ભારતની છેલ્લી વિકેટ કુલદીપ યાદવના રૂપે પડી. ન્યૂઝીલેન્ડ તરફથી ક્રિસ્ટિયન ક્લાર્ક અને જકારી ફાઉલકેસને ત્રણ-ત્રણ વિકેટ મળી હતી.
ન્યૂઝીલેન્ડે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 337 રન બનાવ્યાં હતા. ન્યૂઝીલેન્ડની શરૂઆત પણ ખરાબ રહી અને 6ના સ્કોરમાં બે વિકેટ ગુમાવી દીધી. પરંતુ ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની સદીએ ન્યૂઝીલેન્ડને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધું. ડેરિલ મિચેલ અને ફિલિપ્સ વચ્ચે ચોથી વિકેટ માટે 219 રનની પાર્ટરનશીપ થઈ હતી. ગ્લેન ફિલિપ્સે 88 બોલમાં 106 રન બનાવ્યા. જ્યારે ડેરિલ મિચેલે 137 રનની ઇનિંગ રમી. ભારત તરફથી અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ત્રણ-ત્રણ સફળતા મળી હતી.

