Final Up to date:
બિગ બેશ લીગમાં સ્ટીવ સ્મિથે ઇતિહાસ રચી દીધો છે. તેણે શુક્રવારે બીબીએલ ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. સિડની થંડર સામે મેચમાં તેણે 41 બોલમાં સદી પૂરી કરી, જે બિગ બેશ લીગમાં બીજી સંયુક્ત રીતે સૌથી ઝડપી સદી છે.
અમદાવાદ: બિગ બેશ લીગમાં સ્ટીવ સ્મિથે ઇતિહાસ રચી દીધો છે. તેણે શુક્રવારે બીબીએલ ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. સિડની થંડર સામે મેચમાં તેણે 41 બોલમાં સદી પૂરી કરી, જે બિગ બેશ લીગમાં બીજી સંયુક્ત રીતે સૌથી ઝડપી સદી છે. તેની સદીના કારણે સિડની સિક્સર્સે સિડની થંડરને પાંચ વિકેટે હરાવી દીધું.
શુક્રવારે સિડની થંડરે પહેલી ઇનિંગમાં 20 ઓવર દરમિયાન 189 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. થંડર ટીમ માટે કેપ્ટન ડેવિડ વોર્નરે 65 બોલમાં 110 રનની તોફાની ઇનિંગ રમી. જ્યારે બીજી ઇનિંગમાં સ્ટીવ સ્મિથે બોલરની એવી ધોલાઈ કરી કે દુનિયા જોતી રહી ગઈ.
સિડની સિક્સર્સ સામે 190 રનનો વિશાળ ટાર્ગેટ હતો. ટીમ માટે સ્મિથે બાબર આઝમ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. સ્મિથે આક્રમક બેટિંગ કરતા 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. બાકીના 50 રન તેણે 18 બોલમાં ઠોકી દીધા, આમ તેણે માત્ર 41 બોલમાં સદી ફટકારી દીધી. ટી20 ક્રિકેટમાં સ્ટીવ સ્મિથની સૌથી ઝડપી સદી છે. જ્યારે BBLના ઇતિહાસમાં સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી સદી છે.
- 39 બોલ – ક્રેગ સિમંસ
- 39 બોલ – મિચેલ ઓવેન
- 41 બોલ – ગ્લેન મેક્સવેલ
- 41 બોલ – જોશ બ્રાઉન
- 41 બોલ – સ્ટીવ સ્મિથ
11મી ઓવર પૂરી થઈ, ત્યાં સુધીમાં સિડની સિક્સર્સની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 109 રન બનાવી દીધા હતા. 12મી ઓવર રાયન હેડલી કરવા આવ્યો. તેના પહેલા ચાર બોલ પર સ્મિથે છગ્ગા ફટકાર્યા, જ્યારે પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. એક વાઇડ અને એક નો બોલને કારણે હેડલીને ઓવર પૂરી કરવા માટે આઠ બોલ ફેંકવા પડ્યા, જેમાં કુલ 32 રન આવ્યાં.
190 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી સિડની સિક્સર્સે 16 બોલ પહેલા જ 190 રનનો વિશાળ ટાર્ગેટ મેળવી લીધો. સિક્સર્સની આ ઇનિંગમાં 12 છગ્ગા અને 14 ચોગ્ગા આવ્યાં. બાબર આઝમે 47 રનનું યોગદાન આપ્યું. જણાવી દઈએ કે, BBL 2026ના નોકઆઉટ તબક્કા માટે 3 ટીમ ક્વોલિફાઈ કરી ચૂકી છે. પરંતુ સિડની સિક્સર્સ ક્વોલિફિકેશનની અણીએ છે. જેના માટે તેને પોતાની છેલ્લી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

