Final Up to date:
અમદાવાદના નરોડા વિસ્તારમાં જીવદયા અને સામાજિક સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તરાયણ બાદ રસ્તાઓ, છત અને ગલીઓમાં પડેલી નકામી પતંગની દોરીથી માનવ અને પક્ષીઓના જીવને થતા જોખમને ધ્યાનમાં રાખીને રાંદલ માતા સમિતિના સભ્યો દ્વારા એક નવતર સેવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન સમગ્ર શહેર માટે પ્રેરણારૂપ બની ગયું છે.
અમદાવાદ : રાંદલ માતા સમિતિ દ્વારા આ અભિયાનની શરૂઆત પ્રથમ વખત કરવામાં આવી હતી. સમિતિના સભ્યોએ નરોડાના નાગરિકોને અપીલ કરી હતી કે, ઉત્તરાયણ બાદ ઘરમાં રહેલી કે રસ્તા પર પડેલી પતંગની દોરી સમિતિને સોંપે. લોકોને વધુ પ્રમાણમાં જોડવા માટે સમિતિએ અનોખું પ્રોત્સાહન જાહેર કર્યું હતું, જેમાં એક કિલો પતંગની દોરી આપનાર નાગરિકને પાંચ કિલો ખાંડ આપવામાં આવી હતી. આ યોજના લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની અને અભિયાનને અપેક્ષા કરતા વધુ પ્રતિસાદ મળ્યો.
માત્ર બે કલાકમાં જ 160 કિલો પતંગના દોરા એકત્ર થયા હતા, જ્યારે એક જ દિવસમાં પતંગની દોરી બદલ 900 કિલોથી વધુ ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આંકડા અભિયાનની સફળતા અને નાગરિકોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. નાગરિકોમાં નકામી દોરી આપવા માટે વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણા લોકોએ સ્વેચ્છાએ ઘરમાંથી દોરી એકત્ર કરી સમિતિને આપી હતી.
સમિતિના સભ્યોએ દોરી એકત્ર કરવાની સાથે સાથે રસ્તાઓ પર પડેલા દોરા પણ સાફ કર્યા હતા. પતંગની દોરી ઘણીવાર વાહનચાલકો, રાહદારીઓ અને ખાસ કરીને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. દોરી ગળામાં ફસાતા પક્ષીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા મોતને ભેટે છે. આ જોખમને ઘટાડવા માટે સમિતિએ બે દિવસ સુધી સતત આ નવતર પ્રયોગ હાથ ધર્યો હતો.
આ અભિયાનમાં યુવાનોની ભાગીદારી ખાસ નોંધપાત્ર રહી. સ્થાનિક યુવાનો રસ્તાઓ પર ઉતરીને દોરી એકત્ર કરવા, નાગરિકોને સમજાવવા અને જીવદયાનો સંદેશ ફેલાવવા સક્રિય રહ્યા હતા. સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે, તેવું આ અભિયાન દ્વારા સ્પષ્ટ થયું છે. રાંદલ માતા મંદિર સમિતિના સદસ્ય ઉજ્જવલ પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય હેતુ માનવ અને પક્ષીઓના જીવ બચાવવાનો છે. તેમણે કહ્યું કે, ઉત્તરાયણ બાદ પતંગની દોરીથી અનેક અકસ્માતો અને પક્ષીઓના મોત થાય છે. જો નાગરિકો થોડો સહકાર આપે તો અનેક જીવ બચાવી શકાય. ભવિષ્યમાં પણ આવા સેવા અને જીવદયા સંબંધિત અભિયાન સતત ચાલુ રાખવાનો સંકલ્પ સમિતિ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. નરોડામાં હાથ ધરાયેલું આ જીવદયા અને યુવાનોના નવતર પ્રયોગનું અભિયાન આજે સમગ્ર શહેર માટે પ્રેરણારૂપ બન્યું છે, જ્યાં ધાર્મિક સંસ્થા, યુવાનો અને નાગરિકો એકસાથે મળી માનવતા અને કરુણાનો સંદેશ આપી રહ્યા છે.
Ahmedabad,Gujarat

