Final Up to date:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિન-શૈક્ષણિક ભરતીમાં ટેકનિકલ સમસ્યાઓથી 146 ઉમેદવારોને હોલ ટિકિટ ન મળતાં NSUIએ વિરોધ કર્યો હતો જે સમયે ABVPના કાર્યકરો સાથે ઘર્ષણ અને ધક્કામુક્કી સર્જાઈ હતી. આ ઘર્ષણમાં બે લોકોને ઈજા પહોંચી છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રક્રિયા મુદ્દે વિવાદ ઊભો થયો છે. ભરતી માટે અરજી કરનાર આશરે 146 ઉમેદવારો ટેકનિકલ કારણોસર ‘ફાઈનલ સબમિટ’ ન થવાને કારણે અયોગ્ય જાહેર થતા તેમને હોલ ટિકિટ આપવામાં આવી નથી. આ મુદ્દે NSUIએ યુનિવર્સિટીએ હાજર રહી ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યારે આ જ મુદ્દે વિરોધ દરમિયાન ABVPના કાર્યકરો પણ ત્યાં પહોંચતા બંને સંગઠનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ધક્કામુક્કી દરમિયાન બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી પ્રક્રિયાને ભરતી માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત અંતર્ગત અરજી કરનારા આશરે 146 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા અંગે અનિશ્ચિતતામાં મુકાયા છે. ઉમેદવારો દ્વારા નિયત સમયમર્યાદામાં ઓનલાઈન અરજી ભરી અને પરીક્ષા ફી પણ જમા કરી હતી. જોકે, ઓનલાઈન પ્રક્રિયા લાંબી હોવા અથવા ટેકનિકલ સમસ્યાઓને કારણે અંતિમ તબક્કાનું ‘ફાઈનલ સબમિટ’ કરવાનું રહી ગઈ હતી.
યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, ફાઈનલ સબમિટ ન થયું હોય તેવા ઉમેદવારોને અયોગ્ય ગણવામાં આવ્યા છે અને તેમને હોલ ટિકિટ આપવામાં આવી નથી. પરિણામે આ ઉમેદવારો આવનારી પરીક્ષામાં બેસી શકશે નહીં એવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વિદ્યાર્થીઓની સમસ્યા બાબતે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા)ના કાર્યકરોએ યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે આ સમયે જ ત્યાં ABVP (અખિલ ભારતીય) ના કાર્યકરો પણ પહોંચતા બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હોવાની માહિતી મળી રહી છે.
હાલ વિદ્યાર્થી (NSUI)એ આ મામલે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરી છે. સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી હોવાથી તેમની પરીક્ષા આપવા ઈચ્છા સ્પષ્ટ થાય છે. ટેકનિકલ કારણોને લીધે તેમની કારકિર્દી પર અસર ન થવી જોઈએ. તેમણે માંગ કરી છે કે આ 146 ઉમેદવારોને આગામી 16 માર્ચ 2026ના રોજ યોજાનારી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવે. NSUIએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે ઝડપથી હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. જોકે ABVP તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી, ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

