Final Up to date:
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માની બાદશાહતનો અંત આવ્યો છે. રોહિત શર્માનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ ધરાશાયી થઈ ગયો છે. રોહિતનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું કામ આયરલેન્ડના 35 વર્ષીય બેટ્સમેને કરી બતાવ્યું છે.
T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્માની બાદશાહતનો અંત આવ્યો છે. રોહિત શર્માનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ ધરાશાયી થઈ ગયો છે. રોહિતનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું કામ આયરલેન્ડના 35 વર્ષીય બેટ્સમેને કરી બતાવ્યું છે. રોહિત શર્માનો સૌથી વધુ ટી20i મેચ રમવાનો રેકોર્ડ તૂટી ગયો છે. આયરલેન્ડના કેપ્ટન અને ઓપનર બેટ્સમેન પોલ સ્ટર્લિંગે રોહિતનો આ રેકોર્ડ તોડ્યો છે. પોલે UAE સામે પહેલી ટી20i મેચમાં ઉતરતાની સાથે જ આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. જણાવી દઈએ કે, રોહિત શર્માએ વર્ષ 2007માં પોતાના T20i કરિયરની શરૂઆત કરી હતી અને 2024 ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી તેણે આ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. પોતાના 17 વર્ષના લાંબા કરિયરમાં રોહિતે 159 ટી20i મેચ રમી હતી. આશરે બે વર્ષ પછી આ રેકોર્ડ હવે તૂટી ચૂક્યો છે.
આયરલેન્ડના કેપ્ટન પોલ સ્ટર્લિંગે UAE સામે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની ટી20i કરિયરની 160મી મેચ રમી. તેની સાથે જ તે ક્રિકેટમાં સૌથી નાના ફોર્મેટના ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. જો કે સ્ટર્લિંગ પોતાની આ ઐતિહાસિક મેચને યાદગાર બનાવી શક્યો નહીં અને માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયો.
ટી20iમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી
- પોલ સ્ટર્લિંગ (આયરલેન્ડ) – 160
- રોહિત શર્મા (ભારત) – 159
- જોર્જ ડોકરેલ (આયર્લેન્ડ) – 153
- મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન) – 148
- જોસ બટલર (ઇંગ્લેન્ડ) – 144
જ્યાં ટી20iમાં નવું નામ સામે આવ્યું છે, ત્યારે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ હજુ પણ સચિન તેંડુલકરના નામે છે. સચિને પોતાના 23 વર્ષના લાંબા કરિયરમાં 200 ટેસ્ટ મેચ અને 463 વનડે મેચ રમી છે.
હાલ ટી20i મેચોની સંખ્યા ઝડપથી વધી રહી છે, એવામાં આ રેકોર્ડ વધુ સમય સુધી ટકી રહે એવી શક્યતાઓ ઓછી છે. જોર્જ ડોકરેલ, મોહમ્મદ નબી અને જોસ બટલર પહેલાથી જ ટોપ 5માં સામેલ છે. જ્યારે બાબર આઝમ (137 મેચ) અને હાર્દિક પંડ્યા (128 મેચ) પણ ખૂબ જ ઝડપથી ટોપ 5 તરફ આગળ વધી રહ્યાં છે. એવામાં આગામી વર્ષે 200 ટી20i રમનાર ખેલાડી જોવા મળે તો નવાઈ નહીં.
Jan 29, 2026 11:46 PM IST

