Rajya Sabha Election 2026: રાજ્યસભા ચૂંટણી 2026 દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોને 5 કરોડ રુપિયાની ઓફર આપવાનો મામલો ચર્ચામાં છે. પોલીસે આ મામલે ભાજપના બે નેતાઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ક્રોસ વોટિંગ સહિતનો ભય કોંગ્રેસને સતાવી રહ્યો છે.
કર્ણાટક પોલીસે રવિવારે બેંગલુરુ નજીકથી ભાજપના બે નેતાઓની ધરપકડ કરી છે. જેમની પર આરોપ છે કે તેમણે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ માટે ઓરિસ્સા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને 5 કરોડ રુપિયા આપવાનો પ્રયાસ કર્યો હતો. ધરપકડ કરાયેલા બંને નેતાઓની ઓળખ બિરેન્દ્ર પ્રસાદ અને બ્યાતારાયણપુરા સુરેશ તરીકે થઇ છે. જ્યારે અન્ય બે આરોપી અજિત કુમાર સાહૂ અને સિમાંચલ મહાકુક ફરાર છે.
બેંગલુરુ સાઉથના પોલીસ અધિકક્ષ શ્રીનિવાસ ગૌડા આરએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, આરોપીઓની ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 173 (ચૂંટણી સંદર્ભે લાંચ રિશ્વત) અને 352 (શાંતિ ભંગ કરવા કે અન્ય કોઇ ઇરાદે જાણી જોઇને અપમાનિત કૃત્ય) અને પ્રિવેન્સન ઓફ કરપ્શન એક્ટની કલમ 7 અનુસાર ધરપકડ કરવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ
ઓરિસ્સામાં કોંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટીના ડેપ્યૂટી લીડર અશોક કુમાર દાસે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ધારાસભ્યોના અપહરણ કરવાની ભાજપની કથિત યોજના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ભાજપના બે નેતાઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ચારેય આરોપી બેંગલુરુના વંડર લો રિસોર્ટમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા અને ઓરિસ્સા કોંગ્રેસના ધારાસભ્યોને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.
વિધાનસભામાં પ્રથમ વખત ચૂંટાયેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે કે જેથી તેમને ક્રોસ વોટિંગ કે અન્ય લોભામણા ખતરાથી બચાવી શકાય.
આ પણ વાંચો – કોલકાતામાં પીએમ મોદીએ કહ્યું – મહાજંગલરાજ લાવવા વાળાનું કાઉન્ટડાઉન શરુ
ઓરિસ્સાની ચાર બેઠકો માટે મતદાન
ઓરિસ્સાની ચાર રાજ્યસભાની બેઠકો માટે સોમવારે એટલે કે આજે મતદાન છે. સત્તાધારી ભાજપે ત્રણ ઉમેદવાર અને બીજૂ જનતા દળ (BJD) એ એક ઉમેદવારને નોમિનેટ કર્યા છે. બીજેડીએ કોંગ્રેસ સાથે મળીને યૂરોલોજિસ્ટ ડો. દત્તેશ્વર હોતાને મેદાનમાં ઉતાર્યા છે. જે ઓરિસ્સા મેડિકલ યૂનિવર્સિટીના પૂર્વ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. 147 સભ્યોવાળી ઓરિસ્સા વિધાનસભામાં દરેક ઉમેદવારને જીતવા માટે 30 મત જોઇએ એવામાં વિરોધ પક્ષ બીજેડી પાસે 48 ધારાસભ્યો અને કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે.
10 રાજ્યોની 37 બેઠકો માટે આજે મતદાન
દેશના 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે આજે મતદાન છે. જેમાં બિહાર, ઓરિસ્સા અને હરિયાણાની 11 બેઠકો પણ છે. સવારે 9 વાગ્યાથી મતદાન શરુ થયું છે. બિહારની પાંચ બેઠકોમાં બિહારના તત્કાલિન મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
