રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરનારું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર, હવે ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે

રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરનારું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર, હવે ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા દ્વારા સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું. જે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.

આ સુધારા વિધેયકને મહત્ત્વપૂર્ણ અને રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરનારું ગણાવતાં મંત્રીએ કહ્યું કે આ સુધારા થકી જમીન વ્યવહારોમાં કાયદાકીય સ્પષ્ટતા આવશે અને ગેરકાયદે જમીન તબદીલી પર અંકુશ આવશે.

મહિડાએ કહ્યું કે રાજ્યમાં હાલ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948, સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 તથા ગુજરાત ગણીત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958-એ ત્રણ જુદા-જુદા ગણોત કાયદાઓ અમલમાં છે.

મહિડાએ કહ્યું કે સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ-1949ની કલમ-75 હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈ જમીનનો અનઅધિકૃત રીતે ભોગવટો અથવા ખોટી રીતે કબજો ધરાવતી હોય, તો જિલ્લા કલેક્ટર દ્વારા સંક્ષિપ્ત કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવવાની જોગવાઇ છે, પરંતુ ગેરકાયદે તબદીલીના કિસ્સામાં પુનઃસ્થાપન અને સરકાર હસ્તક નિહિત કરવા અંગે સ્પષ્ટ પ્રક્રિયા નથી.

વધુમાં ગુજરાત ગણોત એક્ટ નં.28/2015, તા.05/12/2015થી ઉમેરવામાં આવેલ કલમ-75(એ) હેઠળ જો ખેડૂત ના હોય, તેવી વ્યક્તિ અથવા કોઈ સંસ્થાની તરફેણમાં ખેતીની જમીનની તબદીલી થયેલી હોય, તો તેવી વ્યક્તિ અથવા સંસ્થા ઉપર આવી જમીનની પ્રવર્તમાન જંત્રી કિંમતની રકમથી ત્રણ ગણી રકમનો દંડ કરવાની જોગવાઇ છે. પરંતુ દંડની રકમ ભરપાઈ કરવા માટે કોઈ સમય મર્યાદા નથી.

તેમણે ઉમેર્યું કે હાલની જોગવાઈ પ્રમાણે કલમ-75 હેઠળ ગેરકાયદે તબદીલ થયેલી જમીનના પુનઃસ્થાપન અને સરકાર હસ્તક નિહિત કરવા અંગે કાયદાકીય સ્પષ્ટતા નથી. જ્યારે, કલમ-75(એ) હેઠળ દંડ ચૂકવવા માટે કોઈ સમયમર્યાદા ના હોવાથી ખેડૂતને તેની જમીન પાછી મળવામાં વિલંબ થાય છે.

તેમણે રાજ્યમાં અમલી અન્ય ગણોત કાયદાઓ સાથે એકરૂપતાની જરૂરિયાત દર્શાવી હતી. જ્યારે વિવિધ કાયદાકીય બાબતોમાં અસરકારક બચાવ શક્ય બનશે. આમ આ તમામ કારણોસર આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે જેથી કાયદામાં સ્પષ્ટતા આવે, પ્રક્રિયા સરળ બને અને ખેડૂતોના હિતોનું યોગ્ય રક્ષણ થાય.

આ વિધેયકમાં મહત્ત્વપૂર્ણ સુધારા સૂચવતા મંત્રીએ જણાવ્યું કે હાલની જોગવાઇમાં ફક્ત અનઅધિકૃત કબજો ખાલી કરાવવાની જ જોગવાઇ છે. આ સુધારા દ્વારા હવે ગેરકાયદેસર તબદીલીના કિસ્સામાં સ્પષ્ટ અને વ્યવસ્થિત પ્રક્રિયા નક્કી કરવામાં આવી રહી છે.

જે મુજબ કલેક્ટર આપમેળે અથવા જમીનમાં હિત ધરાવતી કોઈ વ્યક્તિની અરજીના આધારે કાર્યવાહી શરૂ કરી શકશે. જો તબદીલી ગેરકાયદે જણાય તો કલેક્ટર ત્રણ મહિનાની મુદતમાં જમીન વેચનારને જમીન પરત કરવા જણાવશે અને ખરીદનારે તે જમીન પરત કરવાની રહેશે. અને જો નક્કી કરેલ મુદતમાં જમીન અગાઉની સ્થિતિમાં પરત ન કરવામાં આવે તો કલેક્ટર તબદીલી ગેરકાયદેસર જાહેર કરશે અને આવી જમીન તમામ બોજા રહિત સરકારમાં નિહિત થશે અને આવી જમીનનો નિકાલ સરકારી પડતર જમીન તરીકે કરવામાં આવશે.

આ જ પ્રકારે, કલમ-75(એ)માં સૂચિત સુધારા સૂચવતા શ્રી મહિડાએ કહ્યું કે આ સુધારા દ્વારા દંડના કિસ્સામાં બિનખેડૂત વ્યક્તિ અથવા સંસ્થાએ જમીનના પ્રવર્તમાન જંત્રી કિંમતની ત્રણ ગણી રકમ એક મહિનાની મુદતમાં ભરપાઇ કરવાની રહેશે અને સદર જમીન વેચાણ આપનાર ખેડૂત ખાતેદારને અગાઉની સ્થિતિમાં પરત કરવાની રહેશે.

આ સુધારાથી બિનખેડૂતોના તરફેણમાં થતી ખેતીની જમીનની તબદેલીઓ પર અસરકારક નિયંત્રણ લાવશે અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. વધુમાં રાજ્યમાં અમલમાં અન્ય ગણોત કાયદાઓ સાથે એકરૂપતા જાળવવા માટે કલમ-75(એ)નો સુધારો તા.05/12/2015ની અસરથી લાગુ પાડવા સૂચવ્યું હતું.

આ સિવાય બિનખેડૂતે એક મહિનામાં દંડ ચૂકવવાનો રહેશે અને જમીન પરત કરવાની રહેશે. આથી ખેડૂતોને ઝડપથી ન્યાય મળશે અને મૂળ ખાતેદારના હકનું રક્ષણ થશે. તદુપરાંત સ્પષ્ટ સમયમર્યાદા અને સ્પષ્ટ પરિણામોથી લોકો ગેરકાયદેસર રીતે જમીન ખરીદતા પહેલાં અટકશે અને આવા વ્યવહારો પર અંકુશ મેળવી શકાશે તેમ ઉમેર્યું હતું.

વધુમાં મહેસૂલ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના તમામ વિસ્તારોમાં એક જ રીતે કાયદો લાગુ થવાથી વહીવટી સુગમતા આવશે અને કાયદાકીય વિવાદોમાં ઘટાડો થશે. ગેરકાયદે હસ્તાંતરિત થયેલ જમીનોનું નિયત સમયમાં પુનઃસ્થાપન ન થાય, તો સરકારને નિહિત થતી આ જમીનોનો ઉપયોગ શાળા, હોસ્પિટલ, રસ્તા વગેરે જાહેર હિતના કાર્યો માટે કરી શકાશે.

આમ આ સુધારા વિધેયક સૌરાષ્ટ્રના ખેડૂતોના હિત, વહીવટી એકરૂપતા અને કાયદાકીય સ્પષ્ટતા માટે ખૂબ જરૂરી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે જમીન ખેડૂત માટે માત્ર સંપત્તિ નથી, પરંતુ તેમની આજીવિકાનો આધાર છે. આ સુધારાઓથી જમીનના ગેરકાયદેસર વેચાણ પર અંકુશ મેળવી શકાશે.

આ સુધારાઓ રાજ્યમાં અમલમાં રહેલ અન્ય ગણોત કાયદાઓ સાથે સુસંગતતા લાવશે. જેથી કાયદાનો એકસમાન અમલ શક્ય બનશે અને વહીવટી કાર્યક્ષમતા વધશે. આ વિધેયકથી ખેડૂતોના હકો સુરક્ષિત થશે અને જમીનના વ્યવહારોમાં સ્પષ્ટતા આવશે.

સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક વિધાનસભા ગૃહ ખાતે પસાર થયું હતું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *