યુક્રેનની સેનાએ રાતભર રશિયાને નિશાન બનાવીને 1000થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને કહ્યું કે રશિયાની રાજધાની પર અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો હતો.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી કે તેના સુરક્ષા દળોએ દેશભરમાં, તેમજ રશિયાના કબજા હેઠળના ક્રિમિયા દ્વીપકલ્પ અને કાળા સમુદ્ર (બ્લેક સી) ઉપર 1100 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા.
સોબ્યાનિને જણાવ્યું હતું કે મોસ્કો તરફ આગળ વધી રહેલા 450 ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે કેટલાક ડ્રોન મોસ્કોમાં એક ઓઈલ રિફાઈનરી અને એક રહેણાંક ઈમારત સાથે અથડાયા હતા.
હુમલામાં બે લોકોના મોત
સ્થાનિક ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે અહેવાલ આપ્યો છે કે મોસ્કોની આસપાસના વિસ્તારમાં થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. તેમણે મૃતકોની ઓળખ 74 વર્ષીય પુરુષ અને 44 વર્ષીય મહિલા તરીકે કરી હતી.
યુક્રેને આ મોટો હુમલો યુદ્ધ શરૂ થયા પછી રશિયામાં યોજાયેલી પ્રથમ સંસદીય ચૂંટણીના ત્રીજા અને અંતિમ દિવસે કર્યો હતો.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નીતિઓનો વિરોધ કરતો વિપક્ષ આ ચૂંટણીઓમાંથી લગભગ ગાયબ હતો. વ્યાપકપણે માનવામાં આવે છે કે આનાથી સત્તા પર ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલય)ની પકડ વધુ મજબૂત થશે. 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીની આ પ્રથમ સંસદીય ચૂંટણી છે.
આ પણ વાંચો: દરરોજ એક ચપટી હળદરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, બ્લડ સુગરથી લઈ સાંધાના દુખાવામાં મળશે રાહત
મતદાન પહેલાં રાષ્ટ્રને સંબોધતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે ચૂંટણી અને લોકોનો સંકલ્પ એ સાબિત કરશે કે લાખો લોકો રશિયન સૈનિકોના સમર્થનમાં ઊભા છે.
કબજા હેઠળના વિસ્તારોમાં ચૂંટણી યોજાઈ
પ્રથમ વખત યુક્રેન પર આક્રમણ બાદ મોસ્કો દ્વારા કબજે કરાયેલા પ્રદેશોના રહેવાસીઓ રશિયાની સંસદીય ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે. કિવના અધિકારીઓએ આ પગલાની સખત નિંદા કરી છે અને તેને ગેરકાયદેસર ગણાવ્યું છે. દરમિયાન માનવાધિકાર કાર્યકરે જણાવ્યું હતું કે આ વિસ્તારોના રહેવાસીઓને ચૂંટણીમાં ભાગ લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયા પ્રદેશોમાં 35 લાખથી વધુ મતદારો છે. રશિયાએ સપ્ટેમ્બર 2022માં આ પ્રદેશોનું વિલીનીકરણ કર્યું હતું, ભલે તે સમયે તે સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં ન હતા. રશિયાના આ પગલાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી નથી.
