Final Up to date:
કામના કલાકો 8થી વધારી 10 કલાક કરવા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાજકોટના જાણીતા MD ફિઝિશિયન અને મેટાબોલિક એક્સપર્ટ ડો. વંદન કાનાબારએ મહત્વની ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, માનવ મગજ અને શરીરની કાર્યક્ષમતા કુદરતી મર્યાદામાં બંધાયેલી છે. ન્યુરોસાયન્સના અભ્યાસ મુજબ મગજ સતત 90થી 120 મિનિટ જ ઊંચી એકાગ્રતા રાખી શકે છે અને માત્ર 4થી 5 કલાક જ શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. વધુ કલાકો સુધી સતત કામ કરવાથી નિર્ણયક્ષમતા ઘટે છે, સ્ટ્રેસ વધે છે અને લાંબા ગાળે માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે.
રાજકોટ: રાજકોટના જાણીતા MD ફિઝિશિયન અને મેટાબોલિક એક્સપર્ટ ડો. વંદન કાનાબાર અનુસાર કામના કલાકોમાં વધારો માત્ર આર્થિક દ્રષ્ટિએ જોવો યોગ્ય નથી. અત્યાર સુધી 8 કલાકની મર્યાદા સામાન્ય માનવામાં આવતી હતી, પરંતુ હવે તેને વધારી 10 કલાક સુધી લંબાવવાની ચર્ચા ચાલી રહી છે. માર્કેટ અને ઉત્પાદન વધારવાના હેતુથી લેવાયેલો નિર્ણય હોઈ શકે, પરંતુ ન્યુરોસાયન્સના અભ્યાસો સૂચવે છે કે માનવ મગજ અને શરીરની કાર્યક્ષમતા મર્યાદિત છે.
ડો. કાનાબાર જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એકાગ્રતા સાથે કામ કરવા બેસે છે ત્યારે તેની ફોકસ સાયકલ શરૂ થાય છે. વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ માનવ મગજ સતત 90 થી 120 મિનિટ સુધી જ ઊંચી કક્ષાની એકાગ્રતા જાળવી શકે છે. આ સમયગાળા દરમિયાન લેવાયેલા નિર્ણયો વધુ સ્પષ્ટ અને અસરકારક હોય છે. પરંતુ ત્યારબાદ મગજને વિરામની જરૂર પડે છે. વિરામ વિના લાંબા સમય સુધી કામ કરવાથી કાર્યક્ષમતા ઘટવા લાગે છે. એક દિવસમાં 24 કલાકમાંથી સરેરાશ 4થી 5 કલાક જ એવી હોય છે, જેમાં મગજ શ્રેષ્ઠ ક્ષમતા સાથે કામ કરી શકે છે. જ્યારે કામનો સમય 6થી 7 કલાકથી આગળ વધે છે ત્યારે નિર્ણયક્ષમતા પર અસર જોવા મળે છે. ભૂલોના પ્રમાણમાં વધારો થાય છે, સમજવાની અને માહિતી યાદ રાખવાની શક્તિ ઓછી થવા લાગે છે. આવા સંજોગોમાં 10 કલાકના કામના નિયમને મગજની કુદરતી મર્યાદા સામે પડકારરૂપ માનવામાં આવે છે.

માનવ શરીર મશીન નથી. શરીરની કાર્યક્ષમતા હોર્મોનલ સિસ્ટમ સાથે જોડાયેલી છે. જ્યારે કામનો તાણ વધે છે ત્યારે ખુશી અને સંતુલન જાળવતા હોર્મોન ધીમે ધીમે ઘટવા લાગે છે અને સ્ટ્રેસ હોર્મોનનો સ્તર વધી જાય છે. તેના કારણે થાક, ચીડિયાપણું અને શારીરિક અસ્વસ્થતા અનુભવાય છે. દૈનિક જીવનમાં આપણે જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિ સતત વધુ કલાકો સુધી કામ કરે છે ત્યારે તેના ચહેરાની રોનક ઘટી જાય છે. આંખો થાકી ગયેલી લાગે છે, પાચનતંત્ર પર અસર પડે છે અને ઊંઘનું ચક્ર બગડી જાય છે. લાંબા ગાળે આવી પરિસ્થિતિ માનસિક અને શારીરિક આરોગ્ય બંને માટે હાનિકારક બની શકે છે.
ડો. કાનાબાર ખાસ કરીને મહિલાઓ અંગે ચિંતા વ્યક્ત કરે છે. તેમના જણાવ્યા અનુસાર મહિલાઓના હોર્મોન્સ અત્યંત સંવેદનશીલ હોય છે. ઓવ્યુલેશન, અંડબીજની રચના અને ગર્ભધારણ જેવી કુદરતી પ્રક્રિયાઓ સુસંગત હોર્મોનલ ચક્ર પર આધારિત છે. જો લાંબા સમય સુધી તાણ અને અતિશય કામના કારણે આ ચક્રમાં અવરોધ આવે તો પીસીઓડી જેવી સમસ્યાઓનું પ્રમાણ વધી શકે છે. આ સાથે જ પ્રજનન ક્ષમતા પર પણ નકારાત્મક અસર પડી શકે છે.
ઉત્પાદન વધારવું મહત્વપૂર્ણ છે, પરંતુ માનવ સ્વાસ્થ્ય તેની સામે ગૌણ ન થવું જોઈએ. કામ અને આરામ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. નિયમિત વિરામ, પૂરતી ઊંઘ અને માનસિક શાંતિ વગર લાંબા કલાકો સુધી કામ કરવું લાંબા ગાળે વ્યક્તિ તેમજ સમાજ બંને માટે પડકારરૂપ બની શકે છે.
