Final Up to date:
ભારતના અસમ, કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. જેની સાથે સાથે ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર 23 એપ્રિલે પેટાચૂંટણી યોજાશે.
આણંદ: ભારતના અસમ, કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો ભારતીય ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે. ત્યારે આ 5 રાજ્યોની સાથે સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની એક બેઠક પર પેટાચૂંટણી યોજાવાની માહિતી ઈલેક્શન કમિશને આપી છે. ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતા ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.
વિગતે વાત કરીએ તો, ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું તાજેતરમાં નિધન થયું હતું. ગત છઠ્ઠી ફેબ્રુઆરીએ વહેલી સવારે તેઓને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેથી તેમના આ રીતે અચાનક થયેલા નિધનથી ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડતા, હાલ આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. જાહેરાત મુજબ, આગામી 23 એપ્રિલે ઉમરેઠ બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થશે અને 4 મેના રોજ મતગણતરી શરૂ થશે.
નોંધનીય છે કે, સ્વ. ગોવિંદભાઈ પરમાર બે ટર્મ ભાજપના ધારાસભ્ય રહ્યા હતા. આ પહેલા તેઓ 1 ટર્મ અપક્ષ તરીકે ધારાસભ્ય રહ્યા હતા. તેઓ શંકરસિંહ વાઘેલાની ટનાટન સરકારમાં કૃષિ મંત્રી હતા. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં NCP નેતા જયંત પટેલ બોસ્કીએ ગોવિંદભાઈ પરમારને હરાવ્યા હતા. બાદમાં ભાજપમાં વિધિવત રીતે 2017માં જોડાયા હતા અને ભાજપે તેમને ઉમરેઠ વિધાનસભા બેઠક પર ટિકિટ આપી હતી. બાદમાં ભાજપે 2022માં પણ તેઓને એ જ બેઠક પરથી પુનઃ ટિકિટ આપતાં તેઓ જીત્યા હતા. જોકે તેઓનું અવસાન થયા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડી હોવાથી હાલ ત્યાં પેટાચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ઉમરેઠ બેઠક પર ચૂંટણીની સાથે સાથે ભારતના 5 રાજ્યોની ચૂંટણીની તારીખો પણ હાલ જાહેર થઈ છે. ભારતીય ચૂંટણી પંચની જાહેરાત મુજબ, આગામી 9 એપ્રિલે અસમ, કેરળ અને પુડ્ડુચેરીમાં એક તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાશે. જ્યારે તમિલનાડુમાં એક જ તબક્કામાં 23મી એપ્રિલે તથા પ.બંગાળમાં 2 તબક્કામાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાશે. આ તમામ ચૂંટણીઓના પરિણામ 4 મેના રોજ જાહેર થશે, ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે.

