આ વર્ષે દિલ્હીના પીતમપુરામાં રામલીલા સમિતિએ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પરંપરાગત પૂતળાઓની સાથે 30 ફૂટ ઊંચું ‘વંદા’ (કોકરોચ)નું પૂતળું બાળવાનો નિર્ણય લીધો છે. પીતમપુરામાં આ રામલીલાનું આયોજન ‘શ્રી કેશવ રામલીલા સમિતિ’ દ્વારા કરવામાં આવે છે.
શ્રી કેશવ રામલીલા સમિતિના સભ્યોનું કહેવું છે કે કોકરોચ એ ‘ગંદકી અને અસ્વચ્છતા’નું પ્રતીક છે અને આ પહેલ ‘સ્વચ્છ ભારત’ તથા ‘સ્વચ્છ દિલ્હી’ અભિયાનનો એક ભાગ છે.
શ્રી કેશવ રામલીલા સમિતિએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દિલ્હીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.
કોઈ રાજકીય ઉદ્દેશ્ય નથી – અશોક ગોયલ
સમિતિના પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય અશોક ગોયલે પીટીઆઈ (PTI) ને જણાવ્યું હતું કે આ નિર્ણય કોઈ રાજકીય ઉદ્દેશ્યથી લેવામાં આવ્યો નથી. તેમણે સમજાવ્યું કે કોકરોચનું પૂતળું બાળવાનો હેતુ અનિષ્ટ પર સારાની જીતનો સંદેશ આપવાનો છે. સાથે જ સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો પણ છે. ગોયલે ઉમેર્યું કે આ ‘કોકરોચ’ને રાવણની સેનાના એક રાક્ષસ તરીકે દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો: ભારત સિવાય 7 દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે દશેરાનો તહેવાર, જાણો અનોખી ઉજવણીની રીત
CJP એ ‘SIR’ પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને ટાંકીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે. અગાઉ જુલાઈ મહિનામાં CJP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોને કારણે તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું.
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ
વધુમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષી ગઠબંધન ‘INDIA’ (ઈન્ડિયા) એ પણ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી છે. આ વિરોધ પ્રદર્શનો દરમિયાન CJP અને વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો તેમજ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. CJP (સીજેપી) એ 16 ઓક્ટોબરે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ‘લહેરા દો તિરંગા’ (ત્રિરંગો લહેરાવો) કૂચનું આયોજન કરવાની જાહેરાત કરી છે. દરમિયાન નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ એક નોટિસ જારી કરીને જણાવ્યું છે કે વહીવટી કારણોસર 16 અને 17 ઓક્ટોબરે સેન્ટ્રલ પાર્ક સામાન્ય જનતા માટે બંધ રહેશે.
શ્રી કેશવ રામલીલા સમિતિનો આ નિર્ણય દિલ્હીમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઓની સાથે એક કોકરોચનું પૂતળું પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવી શક્યતા છે.
