દ્વારકા: જામનગર હાઈવે પર એક ખાનગી બસ, બે કાર અને બાઈક વચ્ચે અત્યંત ભયંકર અકસ્માત થયો. અકસ્માતમાં એક જ પરિવારના 5 સહિત કુલ 7 લોકોનાં મોત થયાં. જ્યારે 10થી વધુ લોકોને ઈજા થઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ સાત લોકોના શ્વાસ થંભી ગયા. રાતના સમયે તંત્ર કામે લાગ્યું અને ઘાયલોને સારવાર માટે ખસેડાયા. દ્વારકામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર ઘાયલ લોકોને જામનગર ખાતે ખસેડવાની જરૂર પડી. હોસ્પિટલ પર કરૂણ આક્રંદ અને ગમગીની વ્યાપી ગઈ. સૌથી મોટી બાબત એ છે કે રોડ પર રખડતા ઢોરના કારણે આ સાત લોકોના જીવ ગયાનું તારણ છે. મળતી માહિતી પ્રમાણે ખાનગી બસ પસાર થઈ રહી હતી ત્યારે વચ્ચે રખડતા ઢોર આવી ગયા. જેને બચાવવાના પ્રયાસમાં બસના ચાલકે કાબૂ ગુમાવ્યો અને બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જઈ ચડી અને એક ઈકો કાર તથા સ્વીફ્ટ કારને અડફેટે લીધી. બાઈક ચાલક પણ અડફેટે ચડી ગયો. દુર્ઘટનામાં ગાંધીનગરના કલોલના ઠાકોર પરિવારના 5 સભ્યોના મોત થયાં છે. જેમાં બાળકો પણ સામેલ છે. ઈકો કાર લઈને આ તમામ લોકો દ્વારકા દર્શને જઈ રહ્યા હતા. જ્યારે સ્વીફ્ટ કારના ચાલકને ઈજા પહોંચી છે. જે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એક મૃતક દ્વારકાના બરડીયા ગામનો રહેવાસી હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતમાં ઘાયલોને ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં લાવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સાંસદ પૂનમબેન માડમ, અહીંના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા તથા સ્થાનિક વહીવટી તંત્ર તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને યથાસંભવ મદદનો પ્રયાસ કર્યો.
Source link
