Final Up to date:
ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલા જ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, ત્યારે ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી બે મેચમાં આ અટકળોને લગભગ સાચી સાબિત કરી છે.
અમદાવાદ: ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત પહેલા જ ખિતાબ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, ત્યારે ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી રમાયેલી બે મેચમાં આ અટકળોને લગભગ સાચી સાબિત કરી છે. જ્યારે કોઈ મોટી ટુર્નામેન્ટમાં એવા પણ સંયોગ જોવા મળે છે, જે કોઈ એક ટીમની ટ્રોફી જીતવા તરફ પણ ઈશારો કરે છે. આવો જ એક સંયોગ 13 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં જોવા મળ્યો જે ટીમ ઇન્ડિયાના ટ્રોફી જીતવા પર ઇશારો કરી રહ્યું છે. આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ જેણે મુખ્ય ટુર્નામેન્ટ માટે ક્વોલિફાયર દ્વારા પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે, તેણે ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું છે.
ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઝિમ્બાબ્વેની ટીમે બીજી વાર ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી. તે પહેલાં બંને ટીમો વચ્ચે 2007માં રમાયેલા પ્રથમ ટી20 વર્લ્ડ કપમાં ટક્કર થઈ હતી, જેમાં ઝિમ્બાબ્વેએ મજબૂત ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. ત્યારબાદ એ જ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ટ્રોફી પોતાના નામે કરી હતી. હવે બીજી વાર જ્યારે ઝિમ્બાબ્વેએ ટી20 વર્લ્ડ કપમાં ફરી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે, ત્યારે ટીમ ઇન્ડિયા માટે ટ્રોફી જીતવાનો મજબૂત સંયોગ બનતો દેખાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ઝિમ્બાબ્વે એકમાત્ર એવી ટીમ છે જેનો ઓસ્ટ્રેલિયા સામે જીતનો રેકોર્ડ 100 ટકા રહ્યો છે.
ટીમ ઇન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026માં પોતાની બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામીબિયા સામે રમી હતી, જેમાં ભારતે 93 રનથી ભવ્ય જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગમાં ખાસ કમાલ દેખાડી શક્યો નહોતો અને 12 રન પર સ્ટમ્પ આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. આ સાથે જ એક વધુ રસપ્રદ સંયોગ પણ જોવા મળ્યો. અગાઉ ICCની લિમિટેડ ઓવર્સ ટૂર્નામેન્ટમાં માત્ર ત્રણ વખત ભારતીય કેપ્ટન સ્ટમ્પ આઉટ થયા હતા. તે ત્રણેય વખતે ટીમ ઇન્ડિયા ફાઈનલ સુધી પહોંચી હતી અને તેમાંથી બે વખત ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.
ICC ટૂર્નામેન્ટમાં સ્ટમ્પ આઉટ થયેલા ભારતીય કેપ્ટન
- સૌરવ ગાંગુલી – કેન્યા સામે (વર્ષ 2000, ચેમ્પિયન્સ ટ્રોફી)
- એમએસ ધોની – વેસ્ટ ઇન્ડિઝ સામે (વર્ષ 2011, વનડે વર્લ્ડ કપ)
- રોહિત શર્મા – ન્યૂઝીલેન્ડ સામે (વર્ષ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી)
- સૂર્યકુમાર યાદવ – નામિબિયા સામે (વર્ષ 2026, ટી20 વર્લ્ડ કપ)
Feb 13, 2026 10:41 PM IST

