Final Up to date:
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીને ગવર્નર કાર્ની કહીને સંબોધિત કર્યું અને ચેતવણી આપી કે અમેરિકા કોઈ પણ હાલતમાં ચીન માટે કેનેડાને બેકડોર નહીં બનવા દે.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે સંભવિત વેપાર ડીલને લઈને કેનેડાને કડક ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કેનેડા ચીનના સામાનને અમેરિકા મોકલવાનું ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવે છે, તો અમેરિકા તમામ કેનેડિયન પ્રોડક્ટ પર 100 ટકા ટેરિફ લગાવશે. આ નિવેદનથી ઉત્તર અમેરિકામાં તણાવ ફરી એક વાર ચરમ પર પહોંચી ગયો છે અને બંને દેશોના સંબંધોમાં ખટાશ વધવાના સંકેત મળી રહ્યા છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીને ગવર્નર કાર્ની કહીને સંબોધિત કર્યું અને ચેતવણી આપી કે અમેરિકા કોઈ પણ હાલતમાં ચીન માટે કેનેડાને બેકડોર નહીં બનવા દે. તેમણે લખ્યું કે જો કેનેડા ચીનના સામાનને અમેરિકા સુધી પહોંચવાનો રસ્તો બનાવશે તો આ બહુ મોટો ભ્રમ હશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, એવું કોઈ પણ પગલું અમેરિકાની આર્થિક સુરક્ષા માટે ખતરો માનવામાં આવશે.
પોતાના મેસેજમાં ટ્રમ્પે ચીનને લઈને કડક ભાષાનો ઉપયોગ કર્યો. તેમણે દાવો કર્યો કે ચીન કેનેડાની અર્થવ્યવસ્થા, વેપાર અને સામાજિક ઢાંચાને ગળી જશે. ટ્રમ્પે કહ્યું કે ચીન સાથે કોઈ પણ મોટી ડીલ કેનેડા માટે વિનાશકારી સાબિત થશે. આ નિવેદનને કેટલાય નિષ્ણાતો પ્રેશરની રણનીતિ તરીકે જોઈ રહ્યા છે. જેથી કેનેડા ચીન સાથે પોતાના સંબંધો માપમાં રાખે.
અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું કે જો કેનેડા ચીન સાથે કોઈ વેપાર ડીલ કરે છે તો અમેરિકા તરત જવાબી કાર્યવાહી કરશે. ટ્રમ્પે કહ્યું કે આવી સ્થિતિમાં તમામ કેનેડિયન સામાન પર 100 ટકા ટેરિફ લગાવી દેવામાં આવશે. તેનાથી કેનેડાની નિકાસ, ઉદ્યોગ અને રોજગાર પર ભારે અસર પડી શકે છે. હાલમાં કેનેડા અમેરિકાનું મહત્ત્વનું વેપાર ભાગીદાર છે. આવા સમયે આ ધમકી બંને દેશો માટે ચિંતાનો વિષય બની ગઈ છે.

