હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે આગામી 13મી ફેબ્રુઆરી સુધીમાં તાપમાનમાં કોઈ મોટો બદલાવ થવાની શક્યતા નથી. 13મી સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ક્યારેક કકડતી ઠંડી તો ક્યારેક બપોરે ગરમી અનુભવાઈ રહી છે. મિક્સ સીઝન હવે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ રહી છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યભરમાં વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. નોંધનીય છે કે, મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ફૂલગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

