ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને ફૂલ ખેતી અપનાવી, દર વર્ષે 3 લાખની આવક

ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને ફૂલ ખેતી અપનાવી, દર વર્ષે 3 લાખની આવક

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

પાટણ જિલ્લાના રૂની ગામના ધારસિંગ અમરસિંહ ઠાકોરે પરંપરાગત ખેતીથી અલગ માર્ગ પસંદ કરીને ફૂલ ખેતીમાં સફળતા મેળવી છે. ઓછી જમીનમાં વધુ નફો મળે તે હેતુથી બાગાયત ખેતી તરફ વળેલા આ યુવા ખેડૂતે ગુલાબ સહિત વિવિધ પ્રકારના ફૂલ ઉગાડી આજે ખેતીને નફાકારક વ્યવસાયમાં ફેરવી છે. પોતે જ ઉત્પાદન, વેચાણ અને માર્કેટિંગ સંભાળતા ધારસિંગ ઠાકોરને ફૂલ ખેતીમાંથી દર વર્ષે સરેરાશ ત્રણ લાખ રૂપિયાની આવક થાય છે, જે તેમને વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત તરીકે ઓળખ અપાવે છે.

+

પરંપરાગત

પરંપરાગત ખેતી છોડીને ફૂલ ખેતી અપનાવી

પાટણ: પાટણ જિલ્લાના રૂની ગામના ધારસિંગ અમરસિંહ ઠાકોર આજે વિસ્તારમાં એક પ્રગતિશીલ અને વિચારશીલ યુવા ખેડૂત તરીકે જાણીતા છે. જ્યાં મોટાભાગના ખેડૂતો આજે પણ પરંપરાગત ખેતી પર નિર્ભર છે, ત્યાં ધારસિંગ ઠાકોરે સમય સાથે ખેતીનો અભિગમ બદલી બાગાયત ખેતી, ખાસ કરીને ફૂલ ખેતી તરફ દોર લીધો છે. પોતાના મહેનત, આયોજન અને માર્કેટિંગ કૌશલ્યના આધારે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સારી આવક મેળવી રહ્યા છે.

37 વર્ષના ધારસિંગ ઠાકોરે 12 પાસ સુધી અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે ખેતીને પોતાનો મુખ્ય વ્યવસાય બનાવ્યો. શરૂઆતમાં પરંપરાગત પાકની ખેતી કર્યા બાદ તેમને લાગ્યું કે ઓછા વિસ્તારમાં વધુ નફો મેળવવા માટે બાગાયત ખેતી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ વિચાર સાથે તેઓએ ફૂલ ખેતી શરૂ કરી, જે આજકાલ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત બની છે. ધારસિંગ ઠાકોર હાલ દોઢ વીઘા જમીનમાં 5 થી 6 પ્રકારના અલગ અલગ ફૂલની ખેતી કરે છે, જેમાં ગુલાબ, દાઉદી, ગલગોટા, મધુકામિની અને પારસનું મુખ્ય રીતે સમાવિષ્ટ છે. ખાસ વાત એ છે કે આ તમામ ફૂલની ખેતી તેઓ જાતે જ કરે છે અને તેનું વેચાણ તથા માર્કેટિંગ પણ પોતે જ સંભાળે છે. દલાલ વગર સીધા બજારમાં વેચાણ કરતા તેમને યોગ્ય ભાવ મળે છે અને નફામાં વધારો થાય છે.

ફૂલ ખેતીના ખર્ચ અને આવક વિશે વાત કરતા ધારસિંગ ઠાકોર કહે છે કે ગુલાબ અને અન્ય ફૂલોના વાવેતરમાં એક છોડની કિંમત અંદાજે 20 રૂપિયા હોય છે. એક વીઘા જમીનમાં વાવેતરમાં સરેરાશ 25,000 થી 30,000 રૂપિયાનો ખર્ચ થાય છે. જો ક્યારેક જીવાત કે રોગ આવે તો દવાનો છંટકાવ કરવો પડે છે, તે સિવાય અન્ય ખાસ કોઈ ખર્ચ થતો નથી. યોગ્ય સંભાળ અને સમયસર સારવારથી પાક સારી રીતે તૈયાર થાય છે. તેઓ ગુલાબની ખેતીની વિશેષતા વિશે કહે છે કે વાવેતર પછી માત્ર બે મહિનામાં ગુલાબનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. ત્યારબાદ નિયમિત રીતે ફૂલ તોડીને બજારમાં વેચી શકાય છે. તેઓ પોતે જ ફૂલ બજારમાં લઈ જઈને વેચાણ કરતા હોવાથી ભાવની પારદર્શિતા રહે છે અને મહેનતનું પૂરતું મૂલ્ય મળે છે.

ભાવની દૃષ્ટિએ ફૂલ ખેતી ધારસિંગ ઠાકોર માટે લાભદાયક સાબિત થઈ છે. સામાન્ય દિવસોમાં ગુલાબ અને અન્ય ફૂલનો સરેરાશ ભાવ 70 થી 90 રૂપિયા પ્રતિ કિલો મળી રહે છે, જ્યારે દિવાળી જેવા તહેવારોમાં ફૂલની માંગ વધતાં ભાવ 400 થી 500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. આવા તહેવારી સીઝનથી મળતી આવક વર્ષભરની ખેતી માટે મહત્વપૂર્ણ બની રહે છે. પારસ ફૂલની ખેતી પણ ધારસિંગ ઠાકોર માટે વિશેષ ફાયદાકારક છે. પારસ ફૂલ મુખ્યત્વે દેરાસરમાં વપરાય છે, જેનાથી તેની માંગ સ્થિર રહે છે અને ભાવ પણ સારા મળી રહે છે. ધારસિંગ ઠાકોર જણાવે છે કે ખાસ ઉપયોગવાળા ફૂલનું વાવેતર કરવાથી બજારમાં સ્પર્ધા ઓછી રહે છે, અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે છે. તે અલગ-અલગ પ્રકારના ફૂલની ખેતી કરીને જોખમ પણ ઘટાડે છે.

છેલ્લા 5 વર્ષથી ગુલાબ સહિત વિવિધ ફૂલની ખેતી કરતા ધારસિંગ ઠાકોરને વાર્ષિક સરેરાશ લગભગ 3 લાખ રૂપિયાની આવક થાય છે. ઓછી જમીનમાં યોગ્ય આયોજન સાથે કરવામાં આવેલી આ ખેતી તેમને આત્મનિર્ભર બનાવે છે. તેઓ માને છે કે જો ખેડૂત ખેતી સાથે માર્કેટિંગ પર પણ ધ્યાન આપે તો ખેતી વધુ નફાકારક બની શકે છે. ધારસિંગ ઠાકોરની આ સફળતા આસપાસના યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે. તેઓ સાબિત કરે છે કે પરંપરાગત ખેતીથી આગળ વિચારીને, બજારની માંગ મુજબ પાક પસંદ કરવામાં આવે તો ખેતીમાંથી સારો નફો મેળવી શકાય છે. રૂની ગામના આ યુવા ખેડૂતની ફૂલ ખેતીની સફર આજે ઘણા ખેડૂતોને નવી દિશા બતાવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *