ભરતભાઈને આ વિચારને આગળ વધારવા માટે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ પ્રેરણાસ્ત્રોત બન્યા. જીતુભાઈ વર્ષોથી વૃક્ષારોપણ, પર્યાવરણ સંરક્ષણ અને વિવિધ પ્રાકૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમની સાથે જોડાયા પછી ભરતભાઈએ સમજ્યું કે સારી ખેતી માટે સારી જમીન જરૂરી છે અને સારી જમીન માટે દેશી ગૌપાલન અત્યંત મહત્વપૂર્ણ છે. આ વિચારો સાથે ભરતભાઈએ પોતાની સારી જમીન પર માત્ર 5 દેશી ગાયો સાથે ગૌપાલનની શરૂઆત કરી. શરૂઆત નાની હતી, પરંતુ દૃષ્ટિ વિશાળ હતી. આજે માત્ર 2 વર્ષના સમયમાં, તેમની પાસે નાના-મોટા મળી કુલ 55 દેશી ગીર ગૌવંશ છે. તેઓ સંપૂર્ણ રીતે દેશી ગીર જાતની ગાયો સાથે પ્રાકૃતિક પદ્ધતિથી ગૌપાલન કરી રહ્યા છે.

દૂધ ઉત્પાદન અને વેચાણ તેમની આવકનો મહત્વપૂર્ણ માર્ગ બન્યું છે. હાલ તેઓ દરરોજ 160-170 લિટર દૂધનું ઉત્પાદન કરે છે, જે વિસનગર શહેરમાં રિટેલમાં વેચાય છે, જ્યાં પ્રતિ લિટર 80 રૂપિયાના દરે દૂધ મળી રહે છે. કુલ દૂધના ઉત્પાદનમાંથી 50% કરતાં વધુ રિટેલમાં વેચાય છે, જ્યારે બાકી દૂધમાંથી પરંપરાગત વૈદિક પદ્ધતિથી શુદ્ધ ઘી બનાવવામાં આવે છે. આ ઘી બજારમાં સારી માંગ સાથે ઉત્તમ ભાવમાં વેચાય છે. ભરતભાઈએ માત્ર દૂધ અને ઘી પર જ મર્યાદિત રહેતાં નથી. ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને, તેમણે આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોબર અને ગૌમૂત્રમાંથી તેઓ 20 કરતાં વધુ વિવિધ વસ્તુઓ બનાવે છે, જેમાં ગોબરથી બનેલા સાબુ, ગૌમૂત્ર અર્ક, ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા, જીવામૃત, ઘન જીવામૃત, બીટવેલની દવાઓ, બામ્બૂલેસથી બનેલી અગરબત્તી, ડેકોરેટિવ પીસ, ગોબરથી બનેલા ગણેશજી, માળા, એન્ટી રેડિએશન કીટ અને કમ્પોસ્ટ થયેલા ગોબરમાંથી બનેલી નાની પેલેટ્સનો સમાવેશ થાય છે. આ પેલેટ્સ ખેતરમાં સીધા ઉપયોગ માટે સારા છે અને ખેડૂતોમાં તેની સારી માંગ રહે છે.
આ તમામ ઉત્પાદનોના વેચાણથી તેમને દર મહિને અંદાજે 40% જેટલો નફો મળી રહ્યો છે. ભરતભાઈ જણાવે છે કે દૂધ અને ઘીના વેચાણથી ગાયોના નિભાવનો સમગ્ર ખર્ચ નીકળી જાય છે, જ્યારે ગોબર અને ગૌમૂત્રમાંથી બનેલી અન્ય વસ્તુઓથી થતી આવક સંપૂર્ણ રીતે ચોખ્ખો નફો સાબિત થાય છે. તાજેતરમાં તેમના ખેતર પર જીવામૃત બનાવવાનો પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ માટે તેમણે આત્મા યોજના હેઠળ સહાય માટે અરજી કરી છે. આત્મા દ્વારા તેમને વિવિધ તાલીમો, માર્ગદર્શન અને ટેક્નિકલ સહાય પણ મળી રહી છે. આ તાલીમોથી તેઓ વધુ ગુણવત્તાવાળા ઉત્પાદનો બનાવી શકે તે દિશામાં આગળ વધી રહ્યા છે.
કોરોનાની ગંભીર બીમારીમાંથી બહાર આવીને પ્રકૃતિસેવા અને દેશી ગૌપાલન દ્વારા આત્મનિર્ભર થવાની ભરતભાઈ પટેલની આ યાત્રા અનેક યુવાનો અને ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. તેઓ દર્શાવે છે કે જો વિચાર સકારાત્મક હોય અને મહેનત સાથે આયોજન કરવામાં આવે, તો પ્રકૃતિ સાથે જોડાઈને પણ સફળ અને નફાકારક વ્યવસાય ઊભો કરી શકાય છે.
