ખરાબ હવામાનને અકસ્માતનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. આ પ્રશ્ન એ ઉભો કરે છે કે આટલા ખરાબ હવામાન દરમિયાન વિમાન ક્રેશ થવા પાછળ કયા પરિબળો જવાબદાર હોઈ શકે છે. એવિએશન એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ખરાબ હવામાનમાં પ્લેન ક્રેશ થવામાં એક નહીં અનેક ફેક્ટર જવાબદાર હોઈ શકે છે. જોકે, પ્લેન ક્રેશનું અસલ કારણ શું હતું તે તો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશનની તપાસ પછી જ ખબર પડશે. હાલ ડીજીસીએ અને એએઆઈબીની ટીમો ઘટનાસ્થળ પર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી આ ટીમ પ્લેનના બ્લેક બોક્સને સુરક્ષિત લઈ શકે.
માહિતી એવી મળી રહી છે કે, ચાર્ટર વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું. અજિત પવાર ત્યાં ચૂંટણી તૈયારીઓ, જાહેર રેલીઓ અને સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા. પ્લેન ક્રેશ થયું ત્યારે વહેલી સવારનો સમય હતો અને બધું સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ વિમાને બારામતી એરપોર્ટ નજીક ઉતરવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ બદલાઈ ગઈ. અચાનક ધુમાડો નીકળ્યો અને ખેતરોમાં કાટમાળ છવાયેલો જોવા મળ્યો.
આ હોઈ શકે છે ગંભીર અકસ્માતના સંભવિત કારણો
લો વિઝિબિલિટી: ગાઢ ધુમ્મસ, ભારે વરસાદ અથવા ગાઢ વાદળોને કારણે પાઇલટ્સ માટે રનવે, પર્વતો અથવા આસપાસના અવરોધો સ્પષ્ટ રીતે જોવાનું મુશ્કેલ બની શકે છે. લેન્ડિંગ અથવા ટેકઓફ દરમિયાન આ ખાસ કરીને ખતરનાક છે.
વિન્ડ શિયર: એક અત્યંત ખતરનાક હવામાન સ્થિતિ છે. પવનની દિશા અને ગતિ થોડીક સેકન્ડોમાં બદલાઈ શકે છે, જેના કારણે વિમાન અચાનક ઊંચાઈ ગુમાવી શકે છે. લેન્ડિંગ દરમિયાન આ ક્રેશ થવાનું એક મુખ્ય કારણ છે.
ટર્બ્યુલન્સ: ખૂબ જ તીવ્ર પવન પણ એક કારણ છે. આવી સ્થિતિમાં વિમાનને નિયંત્રણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. ખાસ કરીને નાના અથવા હળવા વિમાનોના ટેકઓફ અથવા લેન્ડિંગ સમયે આ સ્થિતિ ખતરનાક સાબિત થાય છે.
લાઈટનિંગ સ્ટ્રાઈક: આધુનિક વિમાનો વીજળીનો સામનો કરી શકે છે. પરંતુ ક્યારેક ક્યારેક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અથવા સેન્સર્સને અસર કરી શકે છે, જેના કારણે વિમાન ક્રેશ થાય છે. જોકે, આ કિસ્સામાં આવું થતું નથી.
એન્જિન આઈસિંગ: ઠંડા અને ભેજવાળા હવામાનમાં પાંખો અથવા એન્જિન પર બરફ જામી શકે છે. આ લિફ્ટ ઘટાડે છે અને એન્જિન પાવરને અસર કરે છે, જેનાથી સ્ટોલ થવાનું જોખમ વધે છે. આ અકસ્માત લેન્ડિંગ દરમિયાન થયો હોવાથી, એન્જિન આઈસિંગ અસંભવિત છે.
પાયલોટ દિશાહિનતા: ગાઢ વાદળો અથવા અંધકારમાં, પાયલોટ અવકાશી દિશાહિનતા અનુભવી શકે છે, જેનો અર્થ એ થાય કે મગજને દિશાની સ્પષ્ટ સમજ ન હોઈ શકે. આનાથી ખોટા નિયંત્રણ ઇનપુટ્સ થઈ શકે છે.
નેવિગેશન/ઇન્સ્ટ્રુમેન્ટ નિષ્ફળતા: ભારે વરસાદ અથવા તોફાન રડાર, પિટોટ ટ્યુબ (સ્પીડ સેન્સર) અથવા અન્ય સાધનોને વિક્ષેપિત કરી શકે છે. આ પરિબળો વિમાન ક્રેશ થવાનું કારણ પણ બની શકે છે.
