ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચમાં વિજય મેળવીને સિરીઝમાં 2-0થી આગેકૂચ કરી લીધી છે. આ મેચમાં લાંબા સમયથી ઠંડો પડી ગયેલો સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ચમક્યો છે, તેણે જીત સુધી વિકેટ સાચવીને ઈશાન કિશન કરતા 6 રન વધુ બનાવ્યા છતાં તેને POTM (પ્લેયર ઓફ ધ મેચ) પસંદ કરવામાં ન આવ્યો, આ અંગે ઘણાંને કેટલાક સવાલો થઈ રહ્યા છે, પરંતુ તેનો જવાબ પણ મેચમાં જ છૂપાયેલો હતો. બે વર્ષ પછી ટીમમાં એન્ટ્રી કરનારો ઈશાન કિશન પહેલી મેચમાં ફ્લોપ રહ્યા બાદ બીજી મેચમાં ભારતની નાજીક સ્થિતિમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને પહેલા બોલથી જ સટાસટી બોલાવવાનું શરુ કરી દીધું હતું. ઝડપથી પોતાની અડધી સદી પૂર્ણ કર્યા બાદ પણ ઈશાન કિશન અટક્યો નહોતો અને સતત મોટા શોટ રમવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં કેપ્ટન સૂર્યાએ પણ પાછળથી તેનો સાથ આપ્યો અને મોટા શોટ રમીને ઝડપી રન બનાવવાની સાથે અડધી સદી પૂર્ણ કરી હતી. જોકે, મેચમાં ઈશાન કિશન અંત સુધી ટકી શક્યો નહોતો અને સૂર્યા ઈનિંગ્સના રનના મામલે તેની આગળ નીકળી ગયો હતો, આમ છતાં સૂર્યાના બદલે ઈશાનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

