ચારે તરફ પાણી, હાથમાં હલેસાં અને રાત્રે દીવાનો આછો પ્રકાશ. આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી, પણ મહિસાગરના ખેડાપા બેટ વિસ્તારની વરવી વાસ્તવિકતા છે. ગુજરાતના હાઈટેક વિકાસ મોડલની વાતો વચ્ચે અહીંના લોકો આજે પણ આદિમ યુગ જેવું જીવન જીવવા મજબૂર છે. સંતરામપુર તાલુકાનું ખેડાપા ફળિયું આજે પણ લાઈટ, શાળા, રસ્તા સહિતની સુવિધાથી વંચિત છે. 50 જેટલા બાળકો સરકારી ચોપડે નોંધાયા છે, પણ ભણવા માટે શાળા નથી કે આંગણવાડી નથી. રાત્રે બાળકો દીવાના પ્રકાશે ભણે છે અને મહિલાઓ અંધારામાં રસોઈ બનાવે છે. અહીં 108 પણ પહોંચી શકતી નથી. સગર્ભા મહિલાઓને હોસ્પિટલ લઈ જવા માટે નાવડીમાં બેસાડી જોખમી મુસાફરી કરવી પડે છે. ખેડાપા બેટના ગ્રામજનોનું કહેવું છે કે કડાણા ડેમ બન્યા પછી જિંદગી પાણીમાં નાવની જેમ હિલોળા લઈ રહી છે. પશુપાલન અને માછીમારી પર નભતા અહીંના પરિવારો હવે સુરત અને સૌરાષ્ટ્રમાં મજૂરી કરવા હિજરત કરી રહ્યા છે. ચૂંટણી સમયે નેતાઓ આવે છે, વાયદાઓનો વરસાદ કરે છે, પણ વોટ મળતા જ આ ગામ ફરી વિસરાઈ જાય છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમની જિંદગી તો આ અંધકારમાં જ વીતી ગઈ, પણ બાળકોનું ભવિષ્ય શું?
