Final Up to date:
અમદાવાદના નરોડા રોડ પાસે આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સોસાયટીના કમિટી મેમ્બર્સના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે 2 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: નરોડા રોડ પાસે આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં 70 વર્ષીય ધીરુભાઈ પટેલ એક દીકરો અને બે દીકરીઓ સાથે રહે છે. ધીરુભાઈનો દીકરો ભાવેશ ભાડેથી ગાડી ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની સોસાયટીમાં રહેતા કમિટી મેમ્બર સંજય બાલધા અને ગીરીશ બાલધા બંને ભાઈઓ પાણીની લાઇનનું મેન્ટેનન્સ ઉઘરાવે છે.
છેલ્લા છ મહિનાથી ધીરુભાઈના મકાનનું પાણીની લાઇનનું બિલ બાકી હોવાથી કમિટીના બંને સભ્યો વારંવાર ધીરુભાઈના ઘરે આવી ચઢતા હતા અને પાણીના બાકી નીકળતા રૂપિયાની કડકાઈ પૂર્વક ઉઘરાણી કરતા હતા. આથી વૃદ્ધ અને તેમના દીકરાએ થોડા દિવસોમાં રૂપિયાની સગવડ કરીને ચૂકવી દઈશું તેમ જણાવતા હોવા છતાં સંજય અને ગીરીશ મેણાટોણા મારીને કહ્યું કે પાણીનું બિલ ભરપાઈ કરવાની તાકાત હોય નહીં તો જીવાય જ નહીં કહ્યું હતું.
આ વાતનું વૃદ્ધના દીકરા ભાવેશને લાગી આવતા તેણે ફેસબુકમાં વિડીયો બનાવ્યો અને જણાવ્યું કે સંજય બાલધા અને ગીરીશ બાલધા કે જેઓ અમારી સોસાયટીના કમિટીના મેમ્બર છે અને અમારું પાણીનું બિલ બાકી હોવાથી તે લોકો અવારનવાર આવીને મેણાટોણા માર્યા કરે છે અને ધમકાવ્યા કરે છે. આ બંને વ્યક્તિઓના લીધે હું આપઘાત કરી રહ્યો છું તેવા પ્રકારનો વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. બીજીતરફ ભાવેશે તેના પરિવારના વોટ્સએપ ગ્રુપમાં ઝાક લુનદર કેનાલનું લોકેશન વોટ્સએપ કર્યું હતું. આ જોઈને વૃદ્ધ પિતા પાડોશમાં રહેતા અમિતભાઈને લઈને દીકરાને શોધવા તાત્કાલિક પહોંચી ગયા હતા.
દીકરાએ આપેલા લોકેશન પર તેની ફોરવ્હીલ મળી આવી પરંતુ તેની કોઈ ભાળ મળી આવી નહોતી. અને ગત 30 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ભાવેશની ડેડબોડી કડી ખાતેના વણસોર કેનાલ પાસેથી મળી આવી હતી. ત્યારબાદ વૃદ્ધ પિતાએ દીકરાની અંતિમ વિધિ પૂર્ણ કરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સંજય બાલધા અને ગીરીશ બાલધા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
Ahmedabad,Gujarat

