અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે તણાવના અહેવાલો સમયાંતરે સામે આવતા રહે છે. આ દરમિયાન ITBPના વડા શત્રુજીત કપૂરે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો સામસામે આવી ગયા હતા અને આ ક્ષેત્રમાં હજુ પણ તણાવ યથાવત છે. આ નિવેદન બાદ વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. આ બાબતે વિદેશ મંત્રાલયે (MEA) એક નિવેદન જારી કર્યું છે.
વિદેશ મંત્રાલયે શુક્રવારે ભારત અને ચીન વચ્ચે શાંતિ અને સ્થિરતા સ્થાપિત ન થઈ શકવા માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યારે ચીની દળો તેમની નિર્ધારિત પેટ્રોલિંગ પદ્ધતિઓથી ભટકી જાય છે, ત્યારે સરહદી વિસ્તારોમાં સમયાંતરે અશાંતિ સર્જાય છે.
વિદેશ મંત્રાલયની આ ટિપ્પણી ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના ડાયરેક્ટર જનરલ શત્રુજીત સિંહ કપૂરના નિવેદન બાદ આવી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે અરુણાચલ પ્રદેશમાં ચીનની ‘પીપલ્સ લિબરેશન આર્મી’ (PLA) સાથે ચાલી રહેલા ગતિરોધ દરમિયાન, ITBPના નવા રચાયેલા ‘શૌર્ય’ કમાન્ડો યુનિટે પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ‘લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ’ (LAC) પરના બાકી મુદ્દાઓને ઉકેલવા અને કોઈપણ ગેરસમજ કે ખોટી ગણતરી ટાળવા માટે બંને પક્ષો હાલની રાજદ્વારી અને સૈન્ય વ્યવસ્થાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી રહ્યા છે. રણધીર જયસ્વાલે કહ્યું, “વિગતવાર માહિતી માટે હું તમને સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કરવાની સલાહ આપીશ. જેમ આપણે ભૂતકાળમાં જોયું છે તેમ જ્યારે ચીની દળો તેમની નિર્ધારિત પેટ્રોલિંગ પદ્ધતિઓથી ભટકી જાય છે ત્યારે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિ ક્યારેક બગડી જાય છે.”
આ પણ વાંચો: પત્નીનો યોગ્ય કારણ વગર શારીરિક સંબંધનો ઇનકાર માનસિક ક્રૂરતા, હાઈકોર્ટે છૂટાછેડાના નિર્ણય પર લગાવી મહોર
વિદેશ મંત્રાલયે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભારત અને ચીન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી અનિવાર્ય છે. રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બંને પક્ષો સરહદ વ્યવસ્થાપનમાં સુધારો લાવવાના ઉદ્દેશ્ય સાથે સંબંધિત વિસ્તારોમાં LAC અંગે વધુ સારી સમજ વિકસાવવાના માર્ગો પર ચર્ચા કરવા માટે પણ સંમત થયા છે. હું ફરી ભારપૂર્વક કહેવા માંગુ છું કે દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે.”
