Meeting Election 2026 Updates : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કામાં 16 જિલ્લાઓની 152 બેઠકો માટે 23 એપ્રિલને ગુરુવારના રોજ મતદાન થશે. આ તબક્કામાં 1478 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે. આ દરમિયાન તમિલનાડુમાં પણ રાજ્યની તમામ 234 વિધાનસભા બેઠકો માટે 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે. મતદાન સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી થશે. પરિણામ 4 મે ના રોજ જાહેર થશે.
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કા માટે ભાજપ અને ટીએમસી બંનેએ આ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. પ્રથમ તબક્કામાં બંગાળમાં 152 બેઠકો પર મતદાન થશે, જેમાં 3.60 કરોડ મતદારો ભાગ લેશે. 1478 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 44,000 થી વધુ મતદાન મથકો તૈયાર છે.
પ્રથમ તબક્કામાં નંદીગ્રામથી બહેરામપુર સહિતની ઘણી બેઠકો પર હાઈ પ્રોફાઈલ જંગ છે. આ તબક્કામાં મુખ્ય મુકાબલો સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે છે, જ્યારે કેટલીક બેઠકો પર કોંગ્રેસે જંગને ત્રિકોણીય બનાવ્યો છે.
નંદીગ્રામ બેઠક પર મોટો જંગ
નંદીગ્રામ બેઠક રાજ્યની સૌથી હાઈ-પ્રોફાઈલ છે. અહીં ભાજપના દિગ્ગજ નેતા અને વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે. તેમનો મુકાબલો TMC ના પવિત્ર કર સામે છે. 2021માં શુભેન્દુએ અહીં મમતા બેનર્જીને હરાવ્યા હતા, તેથી આ વખતે TMC આ બેઠક પર પૂરી તાકાત લગાવી રહી છે.
બહેરામપુર બેઠક: અધીર રંજનની શાખ દાવ પર
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી બહેરામપુર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે ભાજપના સુબ્રત મૈત્રા મેદાનમાં છે. આ બેઠક પર મુસ્લિમ મતદારો નિર્ણાયક છે અને TMC પણ અહીં મજબૂત પકડ ધરાવે છે, જેના કારણે અધીર રંજન માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે.
ખડગપુર સદર બેઠક: દિલીપ ઘોષનું ભાવિ
રેલવે ટાઉન તરીકે જાણીતી ખડગપુર સદર બેઠક પર હિન્દીભાષી મતદારોનું વર્ચસ્વ છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ આ બેઠક પરથી નસીબ અજમાવી રહ્યા છે. તેમની ટક્કર TMC ના પ્રદીપ સરકાર સાથે છે.
આ 17 બેઠકો પર મહિલાઓ બનશે કિંગમેકર, જાણો કેમ મમતા બેનર્જીનો પક્ષ છે મજબૂત?
તમિલનાડુમાં એક જ તબક્કામાં 234 બેઠકો પર મતદાન
તમિલનાડુમાં એક જ તબક્કામાં 234 બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થશે. રાજ્યના 5.73 કરોડ મતદારોમાંથી 2.93 કરોડ મહિલા મતદાતા છે, જે પુરુષો (2.80 કરોડ) કરતા નોંધપાત્ર રીતે વધુ છે. ગુરુવારે 75,000 થી વધુ મતદાન મથકો પર 4,023 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઇ જશે. તમિલનાડુમાં ડીએમકે ગઠબંધન, એઆઈડીએમકે ગઠબંધન અને પ્રથમ વખત ચૂંટણી લડનારા અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની TVK વચ્ચે જોરદાર મુકાબલો થશે.
