Ukraine drone assaults : રશિયાની રાજધાની મોસ્કોમાં રવિવારે થયેલા યુક્રેનિયન ડ્રોન હુમલામાં એક ભારતીય કામદારનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. રશિયામાં ભારતીય દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી હતી. દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મોસ્કો ક્ષેત્રમાં ડ્રોન હુમલામાં એક ભારતીય કામદારનું મોત થયું હતું. ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દૂતાવાસે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ઇજાગ્રસ્ત કામદારો સાથે મુલાકાત કરી હતી અને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.
સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક નિવેદનમાં દૂતાવાસે જણાવ્યું હતું કે આજે મોસ્કો ક્ષેત્રમાં ડ્રોન હુમલામાં એક ભારતીય શ્રમિકનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. દૂતાવાસે સ્થળ પર પહોંચીને હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત કામદારો સાથે મુલાકાત કરી હતી. અમે આ દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને કંપની મેનેજમેન્ટ અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને અસરગ્રસ્ત કામદારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છીએ.
કુલ 556 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા
રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર આખી રાત થયેલા હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને જણાવ્યું હતું કે હુમલાથી મોસ્કો ઓઇલ રિફાઇનરીને કોઈ નુકસાન થયું નથી, જોકે ત્રણ રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે.
‘શિક્ષણ મંત્રીને હટાવતા કેમ નથી’, NEET પેપર લીક થવા પર રાહુલ ગાંધીએ કહ્યું – મોદીજી, દેશ તમને સવાલ પૂછી રહ્યો છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં 120 થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે મોસ્કો પ્રદેશ સહિત સમગ્ર દેશમાં આખી રાત અને સવાર સુધીમાં કુલ 556 યુક્રેનિયન ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું – રશિયન હુમલાઓનો બદલો
બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ મોસ્કો ક્ષેત્ર પરના હુમલાને યોગ્ય ઠેરવતા કહ્યું કે તે રશિયન હુમલાઓનો બદલો હતો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેમણે લખ્યું કે રશિયા દ્વારા યુદ્ધને લાંબુ ખેંચવા અને અમારા શહેરો પરના હુમલાઓના જવાબમાં અમારી કાર્યવાહી સંપૂર્ણપણે વાજબી છે. આ વખતે યુક્રેને લાંબા અંતરના ડ્રોન મોસ્કો ક્ષેત્ર સુધી પહોંચી ગયા. અમે રશિયનોને સ્પષ્ટ કહી રહ્યા છીએ કે તેમનું યુદ્ધ સમાપ્ત કરો.
