BRICS Summit 2026 Updates : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બ્રિક્સ સમિટ દરમિયાન દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશોના વડાઓએ ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિક્સને સંબોધન કરવા બદલ શી જિનપિંગનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ બ્રિક્સ દરમિયાન ચીન દ્વારા ભારતને આપવામાં આવેલા સમર્થન બદલ ચીનના રાષ્ટ્રપતિનો આભાર પણ માન્યો હતો. તેમણે કહ્યું કે ફરી એકવાર આપણને દ્વિપક્ષીય વાતચીત કરવાની તક મળી રહી છે, અમે ભારતમાં તમારું ફરી સ્વાગત કરીએ છીએ.
ઓગસ્ટ 2025માં થઇ હતી મુલાકાત
દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને નેતાઓએ ઓગસ્ટ 2025માં તિયાનજિનમાં તેમની છેલ્લી બેઠક પછી ભારત-ચીન સંબંધોમાં સતત પ્રગતિને આવકારી હતી. બંને નેતાઓએ ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોએ તેમના સંબંધોને વ્યૂહાત્મક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. મતભેદોને વિવાદ ન થવા દેવો જોઈએ.
સંબંધોના સતત વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશોએ પરસ્પર આદર, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધોના સતત વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું કે બંને દેશોએ સરહદી મુદ્દાઓ પર હાલના કરારો અને પરસ્પર સમજણનું પાલન કરવું જોઈએ. બંને નેતાઓએ સરહદ વિવાદના નિષ્પક્ષ, યોગ્ય અને આપસી સહમતી વાળા સમાધાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જે તેમના સમગ્ર દ્વિપક્ષીય સંબંધોના રાજકીય પરિપ્રેક્ષ્ય અને બંને લોકોના લાંબા ગાળાના હિતો પર આધારિત હોય.
બ્રિક્સ દેશોએ પહેલગામ હુમલાની નિંદા કરી, ઘોષણાપત્રમાં કહ્યું- આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ
બંને નેતાઓએ લોકો વચ્ચેના સંબંધોમાં થયેલી પ્રગતિની નોંધ લીધી અને સાંસ્કૃતિક આદાનપ્રદાન, વેપાર સંબંધો અને લોકો વચ્ચેના આદાનપ્રદાનને વધુ વધારવા હાકલ કરી. આર્થિક અને વેપારી સંબંધોના સંદર્ભમાં તેઓએ એકબીજાની ચિંતાઓને દૂર કરવા અને બજારોમાં સીધી પહોંચ સરળ બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.
વાતચીત દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ એ વાત પર સહમત થયા હતા કે બંને પક્ષોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સમજણ વધારવી જોઈએ અને સાથે મળીને પડકારોનો સામનો કરવો જોઈએ.
ચીન અને ભારતની મોટી જવાબદારી : શી જિનપિંગ
દ્વિપક્ષીય બેઠક દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે જટિલ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વચ્ચે વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો અને ‘ગ્લોબલ સાઉથ’ના મહત્વપૂર્ણ સભ્યો તરીકે ચીન અને ભારતની મોટી જવાબદારીઓ છે. બંને પક્ષોએ માનવતાના ભવિષ્ય અને પોતાના લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને વ્યાપક બ્રિક્સ માળખામાં ઉચ્ચ-ગુણવત્તાયુક્ત સહકારને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે આપણે એક સમાન અને વ્યવસ્થિત બહુધ્રુવીય વિશ્વ અને સમાવેશી અને પરસ્પર લાભદાયી આર્થિક વૈશ્વિકરણની હિમાયત કરવી જોઈએ. જેથી વિશ્વ શાંતિ, સ્થિરતા, વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે વધુ સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકાય.
સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર શી જિનપિંગે ચીન અને ભારતને બ્રિક્સ દેશો વચ્ચે વધુ સારા સહયોગને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન અને ભારત એકબીજાની ખુબીઓમાંથી શીખી શકે છે અને સંયુક્ત વિકાસ પ્રાપ્ત કરી શકે છે. ચીન ભારત સાથેના પોતાના સંબંધોને રણનીતિક અને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જુએ છે.
